ખંભાળિયાના નગરજનોની પ્રતીક્ષાનો અંત: ઘી નદીમાંથી વર્ષો જુની ગાંડી વેલને દૂર કરવાની કામગીરીનો પ્રારંભ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના પાદરમાંથી પસાર થતી ઘી નદીને પ્રદૂષિત કરતી ગાંડી વેલ કે જેનું સામ્રાજ્ય છેલ્લા ઘણા વર્ષોથી બરકરાર રહ્યું હતું, આ વેલને દૂર કરવાની કામગીરીનો આખરે આજથી પ્રારંભ થયો છે.

ખંભાળિયાના ઘી ડેમ વિસ્તારમાંથી નીકળી અને જુદા-જુદા ભાગોમાંથી પસાર થતી ઘી નદી કે જે અનેક નાના જળસ્ત્રોતોને જીવંત રાખવા માટે આશીર્વાદરૂપ બની રહેલ છે, આ ઘી નદીમાં છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા બાદ ગાંડી વેલનું સામ્રાજ્ય છવાઇ જાય છે. આ નદીમાં ઊગી નીકળતી ગાંડી વેલ નદીના પાણી માટે ફક્ત નુકસાન કર્તા જ નહીં, પરંતુ ગંદકી અને મચ્છરનું ઉત્પતિ સ્થાન પણ બની રહેતી હતી.

દુર્ગંધ મારતી આ ગાંડી વેલને દુર કરવા માટે વારંવાર કરવામાં આવેલી માંગણીઓ બાદ આજરોજ નગરપાલિકા દ્વારા ઘી નદીમાંથી ગાંડી વેલને દૂર કરવા માટે આપેલા કોન્ટ્રાક્ટ કામ અંતર્ગત આજથી આ ગાંડી વેલને દૂર કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આજરોજ સવારે અહીંના ખામનાથ વિસ્તારમાંથી શરૂ કરવામાં આવેલી આ કામગીરીના પ્રારંભ દરમિયાન કોન્ટ્રાક્ટરો સાથે નગરપાલિકાના સભ્ય ઈમ્તિયાઝખાન લોદીન, અરજણભાઈ ગાગીયા, કિશોરભાઈ નકુમ, કારૂભાઈ માવદીયા, ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર કિશોરસિંહ સોઢા સહિત નગરપાલિકાનો સ્ટાફ અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા. ગાંડી વેલને જડમૂળથી દૂર કરવાની કામગીરીનો પ્રારંભ થતાં અનેક નગરજનોએ રાહતનો દમ ખેંચ્યો છે.