ભાટીયામાં પૂર્વ જાણકારી વગર વીજ પુરવઠો બંધ કરી દેતા ગ્રામજનો ત્રસ્ત

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયામાં ગમે ત્યારે વીજપુરવઠો બંધ કરી દેતા ગ્રામજનો PGVCLની કામગીરીથી ત્રસ્ત થયા છે.

દ્વારકાના ભાટિયામાં વારંવાર કોઈપણ સમયે પૂર્વ જાણકારી વગર વીજ સપ્લાય બંધ કરાતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. હાલ પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે ‘ઘરની ધોરાજી’ની માફક આજ સવારથી વીજ પુરવઠો બંધ કરી દેતા પરિક્ષાર્થીઓ રૂમમાં શેકાયને ઠીકરું થઈ જવા પામેલ છે. ત્યારે ભાટીયા PGVCLની થુંકના સાંધા જેવી નબળી કામગીરી આંખે વળગે તેમ છે.

અગાઉના ઈજનેરે તેના બહોળા અનુભવ દ્વારા ભાટીયામાં સુંદર કામગીરી કરેલ પરંતુ તાજેતર માં નવા નિયુક્ત થયેલ ઈજનેરમાં કામગીરીના અનુભવનો અભાવ હોવાનું ભાટીયા સર્કલમાં સ્પષ્ટ અનુભવાય રહ્યું છે. જેના લીધે ભાટીયાના ગ્રામજનો ભરઉનાળામાં વીજળી વિના ગરમીનો ભોગ બની રહ્યા છે. આ બાબતે વહેલી તકે કામગીરીમાં સુધાર નહીં લાવવામાં આવે અને ઘટતું પૂરું નહીં કરવામાં આવે તો ભાટીયા PGVCL વિરુદ્ધ આંદોલનના મંડાણ થાય તો નવાઈ નહીં.