ખંભાળિયાના બેહ ગામે વીર વછરાજ જુંગીવારાના મંદિરે પાટોત્સવનું ભવ્ય આયોજન

આગામી શુક્રવારે વિવિધ ધર્મમય કાર્યક્રમો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના બેહ ગામે સુપ્રસિદ્ધ વીર વછરાજ જુંગીવારા વાછરાભાઈનું મંદિર આવેલું છે. જેના છઠ્ઠા પાટોત્સવનું ભવ્ય આયોજન આગામી શુક્રવાર તારીખ 29મી એપ્રિલના રોજ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સમસ્ત બેહ ગામ દ્વારા જુંગીવારા ધામ ખાતે નૂતન ધ્વજારોજણ, 108 કુંડી મહાયજ્ઞ અને ગૌ શાળાના લાભાર્થે સંતવાણી તથા લોકડાયરાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે.

આ ધાર્મિક સ્થળના ઇતિહાસની વિગત મુજબ આશરે પાંચ સદી પહેલાં બેહ ગામે જુંગી જંગલમાં અસુર (રાક્ષસ) રહેતો હતો. જે ગામ લોકોને કનગડત કરતો હતો. એક વખત ગામમાં રહેલી કરમઈબાઈ નામની ચારણ દીકરી જંગલમાંથી ભાતું લઈને પસાર થતી હતી, ત્યારે આ અસુરે જંગલમાં કરમઈબાઈને રોકી તેની પર કુદ્રષ્ટિ કરી લાજ લેવાનો પ્રયાસ કરતા જ કરમઈબાઈ નામની ચારણ દીકરી સાક્ષાત્કાર પરાઅંબા શક્તિનો અવતાર હોવાથી તેમણે વીર વાછરાનું સ્મરણ કરી ત્રણ સાદ કરતા જ વીર વછરાજ ઘોડે સવાર થઈને પ્રગટ થતાં જ કરમઈબાઈના આદેશ અનુસાર આ અસુરને ત્યાંજ હણી નાખીને તેની રક્ષા કરી હતી.

શક્તિનો અવતાર કરમઈબાઈ પ્રગટ થયેલા વછરાજને અહીં બેહ ગામે જ રહીને ગામનું રક્ષણ કરવાનો કોલ લઈ ત્યાંજ કરમઈબાઈ સમાધિ રૂપે સમાઈ ગયા હતા. ત્યારથી જ વીર વછરાજ જુંગીવારા નામથી બેહ ગામ પ્રજ્વલિત થયું છે. આ પછી પણ અનેક પરચા ગામ લોકોને વીર વછરાજે સાક્ષાત્કાર આપેલ છે.

બેહ ગામે આજે પણ સિંધિયા પરિવાર બીડી, ચુલમ કે હુકો પિતા નથી ગામમાં ઘર ઉપર બીજો માળ પણ નથી બનાવામાં આવ્યા. જુંગીવારા વાછરાભાઈએ 200 વર્ષ પહેલાં જામનગર સ્ટેટને ગામનો કર ભરી દેતા વછરાજે ગામને ખાલશા થતું બચાવ્યાનો ઇતિહાસ છે.

જુંગીવારા ધામે વાર્ષિક છઠ્ઠા પાટોત્સવ નિમિત્તે આગામી શુક્રવારે સવારે સાત વાગ્યે ધ્વજારોહણ, નવ વાગ્યે શાસ્ત્રીજી જનકગુરુ અને ચેતન મહારાજ દ્વારા મંત્રોચ્ચાર સાથે 108 કુંડી મહાયજ્ઞ પ્રારંભ થશે. બપોરે બાર વાગ્યે મહાપ્રસાદી તથા સાંજે ચાર વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાત્રે નવ વાગ્યે ગૌ શાળાના લાભાર્થે ભવ્ય સંતવાણી તથા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા કલાકારો રાજભા ગઢવી તથા વિજયભાઈ ગઢવી દ્વારા સંતવાણી- ધૂનની રમઝટ બોલાવવામાં આવશે.

આ સમગ્ર આયોજનમાં પ્રસાદી અને 108 કુંડી મહાયજ્ઞમાં દાતા સ્વ.કાનાભાઈ કરશનભાઈ સંધિયા પરિવાર દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયુ છે. હાલ ભવ્ય આયોજનની તૈયારી માટે બેહ ગામના વડીલો તથા જય જુંગીવારા અન્નક્ષેત્ર ટ્રસ્ટના અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઈ રહી છે. જુંગીવારા ધામે દર વર્ષે ઉજવાતા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટે છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભાવિકો તથા આગેવાનો ઉમટી પડશે.