ખંભાળિયામાં લગ્ન-પ્રસંગમાં મોજમાં આવી ગયેલા જાનૈયા દ્વારા હવામાં ફાયરિંગ

કાકાની બંદૂકમાંથી ભત્રીજાએ કર્યો ભડાકો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં તાજેતરમાં લગ્ન પ્રસંગે વાહનમાં લગ્ન સ્થળે આવેલા એક યુવાને તેના કાકાની પરવાનાવાળી બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કર્યાનો બનાવ સામે આવ્યો છે. જે સંદર્ભે પોલીસે આ યુવાન તથા હથિયારના પરવાનાધારક તેના કાકા સામે ગુનો નોંધ્યો છે.

આ સમગ્ર પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા હરજુગભાઈ કરમણભાઈ મધુડા નામના એક આસામીના પુત્રના લગ્ન યોજાયા હતા. આ પ્રસંગે ગુરુવાર તારીખ 21ના રોજ રાત્રીના સમયે બેહ ગામની મોટા ખેતર સીમ ખાતે વાડીમાં દાંડીયારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દાંડિયારાસમાં ખુલી જીપમાં નીકળેલા સાગર કુંભાભાઈ મધુડા નામના શખ્સે હોંશમાં આવી જઈ અને તેના કાકા અરજણભાઈ કાનાભાઈ મધુડાની પરવાનાવારી ડબલ બેરલ 12 બોરની બંધુકમાંથી એક ભડાકો કરી દીધો હતો.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આના અનુસંધાને ખંભાળિયા પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ કરી અને ખંભાળિયામાં સલાયા નાકા વિસ્તારમાં રહેતા હથિયાર પરવાનાધારક અરજણભાઈ કાનાભાઈ મધુડા તથા ફાયરિંગ કરનારા તેના ભત્રીજા સાગર કુંભાભાઈ મધુડા સામે જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. આ સમગ્ર બનાવની તપાસ અહીંના પી.એસ.આઈ. કે.એન. ઠાકરીયાને સોંપવામાં આવી છે.