દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં હેલ્થ મેળા યોજાયા

12,690 લોકોએ લાભ લીધો: મોટી માત્રામાં રક્ત એકત્ર થયું

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં તાજેતરમાં હેલ્થ મેળાના આયોજન થયા હતા. જેમાં જુદી જુદી સેવાઓનો લાભ કુલ 12,690 લોકોએ લીધો હતો. આ સાથે રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

આયુષ્યમાન ભારત યોજનાને ચાર વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારની વિવિધ યોજનાઓ તેમજ નિષ્ણાત ડોક્ટરોની સેવાનો લાભ સ્થળ ઉપર જ લોકોને મળી રહે તે હેતુથી મેળામાં જુદા-જુદા આરોગ્યલક્ષી સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા.

આ હેલ્થ મેળા મંગળવારે ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે, બુધવારે ભાણવડ તાલુકાના વેરાડ આરોગ્ય કેન્દ્ર ખાતે, ગુરુવારે રાણ ગામના તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેમજ ગઈકાલે શુક્રવારે ઓખામંડળ સ્થિત ક્રિકેટ મેદાનમાં યોજવામાં આવ્યા હતા.

આ તમામ ચાર સ્થળોએ કુલ 12,690 લાભાર્થીઓએ સરકારની આરોગ્ય વિષયક સેવાઓનો લાભ લીધો હતો. જે પૈકી જન આરોગ્ય યોજના અને માં યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા 143 લોકોના કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા. જ્યારે ડિજિટલ મિશન હેલ્થ મિશન અંતર્ગત કુલ 67 યુનિક હેલ્થ આઈડી કાર્ડ બનાવવામાં આવ્યા હતા. મોતિયો મુક્ત ગુજરાત અંતર્ગત 445 દર્દીઓની આંખોની તપાસણી કરવામાં આવી હતી. આ સાથે 205 લોકોને ચેપી અને બિનચેપી રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. જનની શિશુ સુરક્ષા યોજનાના લાભાર્થીઓ તેમજ ટી.બી. રોગના દર્દીઓને સ્થળ ઉપર પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું

આ સાથે તમામ ચાર તાલુકાઓમાં રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યા હતા. જેમાં 83 બોટલ રક્ત એકત્ર થયું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓ તથા કાર્યક્રમો વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તમામ ચાર કક્ષાના બ્લોક હેલ્થ મેળાના આયોજનની સફળતા બદલ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.