રાજયના પેન્‍શનરો માટે તા.4 જુનના રોજ પેન્‍શન અદાલતનું આયોજન

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : રાજય સરકારના પેન્‍શનરો માટે નાણાં વિભાગ ગાંધીનગર દ્વારા પાંચ ઝોન ખાતે તા. 4 જૂનના રોજ બપોરે 12 થી સાંજના 5 સુધી પેન્‍શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ રાજકોટ ઝોનમાં સમાવિષ્‍ટ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્‍દ્રનગર જિલ્‍લા માટેનું સ્‍થળ એ.વી. પારેખ ટેકનીકલ ઇન્‍ટીટયુટ (કોમ્‍પ્‍યુટર ડિપાર્ટમેન્‍ટ સેમીનાર હોલ) હેમુ ગઢવી હોલની સામે, ટાગોર રોડ રાજકોટ રહેશે.

જે પેન્‍શનરો અરજી કરવા માંગતા હોય તેઓએ પેન્‍શન મેળવતા હોય તે જિલ્‍લા/ પેટા તિજોરી કચેરી ખાતેથી અથવા https://financedepartment.gujarat.gov.in તેમજ https://dat.gujarat.gov.in ની વેબસાઇટ પરજી અરજીનું નમુનાનું ફોર્મ મેળવી તેમાં જરૂરી વિગતો ભરીને તા. 5 મે સુધીમાં હિસાબ અને તિજોરી નિયામકની કચેરી, બ્‍લોક નં. 17, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરને મોકલી આપવાની રહેશે. પેન્‍શનર https://bit.ly/pension-adalatની લીંધમાં જઇ ગુગલ ફોર્મમાં પણ વિગતો ભરીને ફોર્મ જમા કરાવી શકશે. તેમ દેવભૂમિ દ્વારકા જિલ્‍લા તિજોરી અધિકારીની યાદીમાં જણાવાયું છે.