ખંભાળિયા બેઠકજીમાં કાલે મંગળવારે મહાપ્રભુજીના પ્રાગટ્ય દિનની થશે ભવ્ય ઉજવણી

કાલે પ્રભાતફેરી સહિતનાના આયોજનો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : વૈષ્ણવ સંપ્રદાયના સંસ્થાપક મહાપ્રભુજીના 545 મા પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે આવતીકાલે ખંભાળિયામાં અનેકવિધ ધર્મમય કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

મહાપ્રભુજીના 545 ના પ્રાગટ્ય દિન પ્રસંગે મહાપ્રભુજીની સુપ્રસિદ્ધ 57 મી બેઠકજી ખંભાળિયા ખાતેથી આવતીકાલે મંગળવારે સવારના સાત વાગ્યે પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાઈક તથા સ્કૂટર પર વૈષ્ણવ ભાઈઓ હોંશભેર જોડાશે. આ પ્રભાતફેરી કીર્તન સાથે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરશે.

આ સાથે આવતીકાલે મંગળવારે સવારે સાડા દસથી અગિયાર પલના, બપોરે 12:30 વાગ્યે રાજભોગ સાથે તિલક આરતી, સાંજે સાડા પાંચથી સાડા સાત ફૂલ મંડળી, તેમજ શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં સર્વે વૈષ્ણવ ભાઈઓ-બહેનોને જોડાવા માટે બેઠકજીના અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.