શ્રીમહાપ્રભુજીના પ્રાગટ્ય દિનની દ્વારકામાં ભાવભેર ઉજવણી

નવી હવેલી દ્વારા જરૂરિયાતમંદોને છાશનું નિ:શુલ્ક વિતરણ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : પુષ્ટિ સંપ્રદાયના સંસ્થાપક જગદગુરુ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો આજે 545મો મંગલ પ્રાગટય મહોત્સવ ઉજવાય રહ્યો છે. જે નિમિત્તે દેવભૂમિ દ્વારકામાં નવી હવેલી દ્વારા જરૂરિયાતમંદોને નિ:શુલ્ક છાશનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ વિવિધ મનોરથોનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રીમહાપ્રભુજીના મંગલ પ્રાગટ્યોત્સવ અંતર્ગત દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વૈષ્ણવ આચાર્યની અધ્યક્ષતામાં ચાલતા શ્રીમદ વલ્લભાચાર્ય ચેરીટેબલ ટ્રસ્ટ, નવી હવેલી દ્વારકા તરફથી જરૂરિયાતમંદ નાગરિકોને નિ:શુલ્ક છાશ વિતરણ કેન્દ્રનું ઉદઘાટન નવી હવેલીમાં કાલિંદી વહુજી અને નટવર ગોપાલજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. જેમાં અતિથિ વિશેષ તરીકે દ્વારકાદાસભાઈ રાયચુરા (લાંબા) તથા મહેમાનો હાજર રહ્યા છે. તેમજ વિવિધ મનોરથોનો વૈષ્ણવોએ લ્હાવો લીધો છે. આમ, શ્રીમહાપ્રભુજીના પ્રાગટ્ય દિનની દ્વારકામાં ભાવભેર ઉજવણી કરવામાં આવી છે.