ખંભાળિયામાં ચારણ-ગઢવી સમાજનો સમૂહ લગ્નોત્સવ સંપન્ન

ત્રીસ જેટલા નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં ચારણ (ગઢવી) સમાજનો બારમો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો. તેમાં 30 જેટલા દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયા હતા.

ખંભાળિયામાં ચારણ-ગઢવી સમાજ સમૂહ લગ્નમાં આઈ શ્રી હિરલમાં આઈ શ્રી દેવલમાં તેમજ આઈ શ્રી કંકુકેશરમાંના આશીર્વાદ લઈ 30 દીકરીઓએ સાંસારિક જીવનની શરૂઆત કરી છે. ખંભાળિયા ખાતે ગત રવિવાર તા 24 ના રોજ જ્ઞાતિના બારમાં સમૂહ લગ્નનું આયોજન આઈ શ્રી સોનલમાં સમૂહ લગ્ન સમિતી, આઈ શ્રી હિરલમાં દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 30 કન્યા તેમજ 2 વરરાજાના મંડપ ત્યાં રોપવામાં આવ્યા હતા. આ લગ્નોત્સવમાં સમગ્ર જિલ્લાના ગઢવી સમાજના લોકોએ ઉમંગ- ઉત્સાહથી ભાગ લીધો હતો. આ આયોજનમાં ગઢવી સમાજના અગ્રણીઓ તેમજ સ્વયંસેવકોની નોંધપાત્ર જહેમતથી આ સમૂહ લગ્નોત્સવ સફળતાપૂર્વક સુપેરે સંપન્ન થયો હતો.

આ પ્રસંગે શ્રી હિરલ માતાજી, શ્રી દેવલ માતાજી, શ્રી કંકુકેશર માતાજી, તેમજ ધાનબાઈ માતાજી, વડનગર વાળા સમાજના અગ્રણીઓ હાજર રહીને પ્રસંગને દિપાવ્યો હતો. આ પ્રસંગમાં ભોજનના દાતા નારૂભાઈ સાંગાભાઈ લુણા તેમજ આર્થિક ફંડ ફાળો આપનારનું સમૂહ લગ્ન સમિતિ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમાજના તમામ લોકો દ્વારા જરૂરી સહયોગ આપવામાં આવ્યો હતો. આ સમૂહલગ્નમાં વિવિઘ રીતે સહભાગી થનાર તમામનો સમાજ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.