ખંભાળિયાના જૂંગીવારા ધામખાતે છઠ્ઠા પાટોત્સવ ઉજવણી સંદર્ભે ખાસ બેઠક યોજાઈ

આગામી શુક્રવારે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના બેહ ગામે આગામી શુક્રવાર તા.29 મી ના રોજ જુંગીવારા ગામે છઠ્ઠા પાટોત્સવની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગની પૂર્વ તૈયારી તથા આયોજન સંદર્ભે આઈ શ્રી હીરલ માતાજી અને આઈ શ્રી દેવલ માતાજીની ઉપસ્થિતિમાં ચારણ-ગઢવી સમાજના 24 ગામો (ચોવીસીની) એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

બેહ ગામે આવેલા સુપ્રસિદ્ધ જૂંગીવારા ધામ ખાતે છઠ્ઠા પાટોત્સવની શુક્રવારે ભવ્ય ઉજવણીનું આયોજન સમસ્ત બેહ ગામ અને જૂંગીવારા ધામ સમિતિ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ધ્વજારોહણ, 108 કુંડી મહાયજ્ઞ, મહાપ્રસાદી, સાંકૃતિક કાર્યક્રમ અને ગૌશાળાના લાભાર્થે ભવ્ય સંતવાણી-લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આના અનુસંધાને ગઈકાલે સોમવારે જૂંગીવારા ધામ ખાતે ચારણ-ગઢવી સમાજના ચોવીસ ગામો સાથે આસપાસના ગ્રામજનોની મીટીંગ યોજવામાં આવી હતી.

આઈ શ્રી હિરલ મા તેમજ સવનીથી પધારેલા આઈ શ્રી દેવલ માતાજી સહિત સંતો મહંતો, અગ્રણીઓ તેમજ ગઢવી સમાજના લોકોની ખાસ ઉપસ્થિતીમાં આઇ હિરલ અને દેવલ માતાજી દ્વારા આશીર્વચન અને આ કાર્યક્રમ ભવ્ય રીતે સફળ થાય તેવા આશીર્વાદ આપ્યા હતા.

આ સાથે માતાજીના હસ્તે આમંત્રણ પત્રિકા વિતરણ કરવામાં આવી હતી. જેમાં કાર્યકરોની વિવિધ ટીમો બનાવી સમિતિઓ બનાવવામાં આવી હતી. અગાઉની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. આ ઉજવણી સંદર્ભે ગ્રામજનો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.