ભાટીયામાં નેત્ર નિદાન કેમ્પ યોજાયો

મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે તાજેતરમાં વિનામૂલ્યે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લાભ મોટી સંખ્યામાં દર્દીઓને લીધો હતો.

ભાટીયાની જાણીતી સેવા સંસ્થા કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ સાથે ખંભાળિયાની માનવ સેવા સમિતિ તથા લાયન્સ કલબના સંયુક્ત ઉપક્રમે લંડન (યુ.કે.) નિવાસી નિરંજનાબેન ચંદ્રવદન મોદીના આર્થિક સહયોગથી રાજકોટની સેવા સંસ્થા રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પીટલના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા ભાટીયા ખાતે યોજાયેલા આ કેમ્પમાં આંખના કુલ 143 દર્દીઓની તપાસણી કરવામાં આવી હતી. જેમા જરૂરીયાતવાળા દર્દીઓને ટીપા આપવામા આપવામાં આવ્યા હતા. આ સાથે મોતીયાના ઓપરેશનની જરૂરીયાત જણાતા 42 દર્દીઓને હોસ્પિટલની બસ દ્વારા રાજકોટ લઈ જઈ, ઓપરેશન કરીને વિના મુલ્યે નેત્રમણી પણ બેસાડી આપવામાં આવ્યા હતા. ઓપરેશનવાળા આ તમામ દર્દીઓની સારવાર સાથે રહેવા, જમવા, ચા-નાસ્તો, ચશ્મા, દવા-ટીપા વિગેરે પણ વિના મુલ્યે આપવામા આવ્યા બાદ ભાટીયા મુકામે પરત મુકી જવાયા હતા.

આ કેમ્પમાં ખંભાળિયા લાયન્સ કલબના પ્રમુખ મનસુખભાઈ નકુમ સાથે હોદેદારો મહેન્દ્રભાઈ જોષી, હાડાભા જામ વિગેરેએ ઉપસ્થીત રહી, ભાટીયાના કિશોર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઈ દત્તાણીને કેમ્પનું આયોજન સફળતાપૂર્વક કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આ કેમ્પ માટે જીતેન દાવડા, ડાડુભાઈ આંબલીયા, મણીભાઈ બારાઈ, વિશાલ ઝાલા વિગેરેએ સેવાઓ આપી હતી. જેને કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બિરદાવવામાં આવી હતી.