બેટદ્વારકા કન્યા શાળામાં ડુગોંગ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાની બેટદ્વારકા કન્યા શાળા ખાતે ડુગોંગ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

૨૮મી મેના રોજ આવતા વિશ્વ ડુગોંગ દિવસ માટે વન્યજીવ સંસ્થાના રિસર્ચ શિવાની પટેલ, પ્રાચી હટકર અને ઉઝેર કુરેશીએ ગુજરાતમાં ગઈકાલથી ઉજવણીની શ્રેણી શરૂ કરી છે. જે અંતર્ગત ૨૭ એપ્રિલના બેટદ્વારકા કન્યા શાળા માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જેમાં ધોરણ ૬થી ૮ની કુલ ૫૬ છોકરીઓને કચ્છના અખાતમાં જોવા મળતા ડુગોંગ અને અન્ય દરિયાઈ જીવો તેમજ જૈવવિવિધતાને થતા જોખમો વિશે શિક્ષણ આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓ પણ તેમણે ટાપુની આસપાસ જોયેલા દરિયાઈ જીવન વિશે ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપી રહ્યા હતા. તેઓએ વિદ્યાર્થીનીઓને “દરિયાઈ ગાય બચાવો.” સૂત્ર સાથે દરિયાકિનારે પ્લાસ્ટિક ન ફેંકવા અને ડૂગોંગ્સનું સંરક્ષણ કરવા માટેનો પણ પ્રચાર કર્યો હતો.