ખંભાળિયામાં એનિમલ કેર્સ ગ્રુપની અવિરત સેવા પ્રવૃતિ: અનેક મુક પશુઓને મળતું નવજીવન

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં યુવા કાર્યકરો દ્વારા છેલ્લા ઘણા સમયથી એનિમલ કેર્સ ગ્રુપ નામની સંસ્થાના નેજા હેઠળ સમયાંતરે અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં એનિમલ કેર્સ ગ્રુપ દ્વારા ચાલી રહેલી આ પ્રવૃત્તિઓમાં તાજેતરમાં પરોડિયા ગામે એક વાડીમાં 70 ફૂટ ઊંડા કૂવામાં બે સપ્તાહથી પડી ગયેલી બિલાડીનું રેસ્ક્યુ દોરડા વડે ઊંડા કૂવામાં ઊતરી અને કરવામાં આવ્યું હતું.

આ જ રીતે અહીંની રામનાથ સોસાયટી ખાતે એક વાછરડાને કુતરાએ બચકા ભરતા એનિમલ કેર્સ ગ્રુપના કાર્યકરોએ રાત્રીના દોઢેક વાગ્યે દોડી જઈ એને જરૂરી સેવાઓ કરી હતી. આ ઉપરાંત ખંભાળિયા પંથકમાં એક નંદીને કોઈએ માર મારતાં તેની સેવા ઉપરાંત એક બીમાર વાછરડાને પણ તાકીદે તબીબી સારવાર અપાવી અને એનિમલ કેર્સ ગ્રુપના દેશુર ધમા, રામદે ગઢવી, રવિ વકાતર, સંજીવકુમાર વિગેરે દ્વારા સેવા કરવામાં આવી હતી.