દ્વારકાનાં મોટા આસોટામાં માઁ આલબાઈની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રિદિવસીય મહોત્સવ યોજાશે

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાનાં મોટા આસોટા ખાતે માઁ આલબાઈનાં નૂતન મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવ યોજાનાર છે. ત્રિદિવસય ધાર્મિક પ્રસંગે અનેકવિધ કાર્યક્રમોમાં ચારણ માતાજીઓ, સાધુ-સંતો, મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, સરકારી અધિકારીઓને આમંત્રિત કરાયા છે. અને તા. 6નાં રોજ ભજન, સંતવાણી, લોકડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં કલ્યાણપુર તાલુકાનાં મોટા આસોટા ગામનાં પાદરમાં લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર માઁ આલબાઈનું પૌરાણિક મંદિર આવેલ છે. અહીં માઈભકતો દ્વારા શીખરબદ્ધ ભવ્ય નૂતન મંદિર બનાવાયું છે. આ નૂતન નવનિર્મિત મંદિરમાં માઁ આલબાઈ અને માઁ આલઈઆઈની મૂર્તિઓની વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ધાર્મિક વિધિવિધાનથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયુ છે.

તા. 5 ગુરુવારે હેમાદ્રી, શ્રવણ, પ્રાયશ્ચિત, દેહશુધ્ધિ, ગણેશપૂજન, પુણ્યાયવાચન, માત્રુકાપૂજન, નાંદીશ્રાદ્ધ, મંડપપ્રવેશ, દેવ આહવાન, અગ્નિ સ્થાપન, ગ્રહ શાંતિ અને સાંજે 6 વાગ્યાથી મણિયારો, તા. 6ને શુક્રવારે સ્થાપિત દેવપૂજન, વાસ્તુપુજન, પ્રસાદ વાસ્તુ, દિક્ષુ હોમ, જલ યાત્રા, જરાધિવાસ, નગરયાત્રા, સ્થાપન, મહાભિષેક, શચ્યાધિવાસ અને રાત્રે સંતવાણી-લોકડાયરો, તા. 7ને શનિવારે સ્થાપિત દેવ પૂજન, શિખર ન્યાસ, દેવ જાગૃતિ, નિજ મંદિરમાં દેવી/દેવોની પ્રાણ પ્રતિષ્ઠા, ઉતર મંત્ર, ઉતર પૂજા, બલિદાન, પ્રપૉહદ્રતિ, મહારંભ, ધ્વજારોહણ, મહાપ્રસાદ અને સન્માન-આભાર વિધિ કરવામાં આવશે.

માઁ આલબાઈનાં આ ધામિઁક મહોત્સવમાં ચારણ માતાજી આઈઓ, સંતો, મહંતો, સાધુઓ, સાંસદો, મંત્રીઓ, ધારાસભ્યો ઉપરાંત સરકારી અધિકારીઓને આમંત્રિત કરાયા છે. વૈશાખ મહિનામાં માઁ આલબાઈનાં ડુંગર પર મેળા ભરાય અને હજારો માઈભકતો ઉમટે છે. ત્યારે આ વૈશાખની શરૂઆતમાં જ માઁનાં ત્રિદિવસય ધામિઁક મહોત્સવમાં ભકિતનાં રંગે રંગાવા સૌ પ્રજાજનોને પધારવા આમંત્રણ પાઠવાયુ છે.