દ્વારકામાં ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિની નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા સ્થિત જગતમંદિરમાં શ્રીદ્વારકાધીશ ભગવાનની સેવા-પૂજા સાથે જોડાયેલ ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત 505 દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો છે.

આજના સમયમાં ક્રિકેટનો માહોલ સમગ્ર દેશમાં છવાયેલો છે ત્યારે દ્વારકામાં ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત 505ની સ્કૂલનાં મેદાનમાં 16 દિવસ માટે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જ્ઞાતિ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. ભવ્ય આતશબાજી દ્વારા આ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો. ત્યારે દરરોજના બે મેચ રાત્રિ દરમ્યાન રમાડવામાં આવશે. સાથે સાથે નાઈટ ક્રિકેટ મેચ નિહાળવા આવતા તમામ દર્શકોને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ દર વર્ષની જેમ આ વર્ષ પણ રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે 2009થી આ ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત 505 દ્વારા આ જી.પી.એલ. ક્રિકેટ નાઈટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. જ્ઞાતિના યુવાનોને પ્રોત્સાહિત કરવા અને તેજસ્વી ખેલાડીઓ આગળ વધી જ્ઞાતિ અને દ્વારકાનું નામ રોશન કરે તેવા હેતુથી આ રંગારંગ ક્રિકેટ નાઈટ ટુર્નામેન્ટ શરુ થતા સમગ્ર દ્વારકામાં ક્રિકેટ ફીવર છવાયો છે.