ખંભાળિયા નજીકથી વીજ કંપનીના કોપર કેબલ વાયરની ચોરી

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા- જામનગર હાઈવે પર તાલુકાના આહિર સિંહણ ગામના સીમ વિસ્તારમાં સરકારી ખરાબામાં આવેલી વિન વર્લ્ડ કંપનીના ચોક્કસ ટાવર લોકેશનના વીજ થાંભલામાંથી ટી.સી.માં લગાવવામાં આવેલો રૂપિયા 15 હજારની કિંમતનો 25 મીટર કોપર કેબલ વાયર કોઈ કાપીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે.

આમ, કેન્દ્ર સરકારના નેશનલ પાવર ગ્રીડમાં જમા થતો વીજપ્રવાહ પસાર થતો અટકાવી અને વીજ પ્રવાહમાં વિક્ષેપ કરી, ચોરી કરવા સબબ લાલપુર તાલુકાના બબરજર ગામે રહેતા પાલાભાઈ મછાભાઈ રાણીગા ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા શખ્સો સામે આઈ.પી.સી. કલમ 379 તથા ઇલેક્ટ્રિકસીટી એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.