દુષ્કર્મ કેસમાં 10 વર્ષની જેલ તથા રૂ. 10 હજારના દંડની સજા ફરમાવતી દ્વારકા સેસન્સ અદાલત

દ્વારકા : દેવભૂમિ દ્વારકાની સેસન્સ અદાલત દ્વારા દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની જેલ તથા રૂ. 10 હજારના દંડની સજા ફટકારવામાં આવી છે.

આ કેસની ટૂંકી હકીકત જોઈએ તો આ કેસના ભોગ બનનાર ફરીયાદી સગીરા તેમના કુટુંબી કાકાને ત્યાં રાત્રીના જતા હોય ત્યારે આરોપીનું ઘર વચ્ચે આવતું હોય અને ભોગ બનનારને આરોપી હાથ પકડી ઘરમાં લઈ ગયેલ અને દરવાજો બંધ કરી છરી બતાવી ભોગ બનનાર સાથે દુષ્કર્મ કરેલ હતું. અને આ વાત કોઈને કરતી નહી નહીતર જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. જેથી, તે ખુબ જ ડરી ગયેલ અને બીજા દિવસે તેમના ઘરના સભ્યને વાત કરતા આ અંગેની ફરીયાદ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં આપી હતી અને આરોપી સામે આઈ.પી.સી. કલમ તથા પોકસો એકટની કલમ વિગેરે મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.

આ કેસમાં તપાસ કરનાર અધિકારીએ લાગતા વળગતાના નિવેદનો લઈ આરોપી તથા ભોગ બનનારના જરૂરી મેડીકલ તપાસણી કરાવી, નમુનાઓ લઈ અને એફ.એસ.એલ.માં મોકલી પૃથ્થકરણ અહેવાલ મેળવી કોર્ટમાં ચાર્જશીટ કરેલ અને કોર્ટમાં સ્પેશ્યલ પોકસો કેસ નં. 1219થી ચાલવા આવેલ અને કુલ 14 સાક્ષીને તપાસવામાં આવેલ હતું.

ત્યારબાદ કેસ દ્વારકા મુકામે એડી. સેસન્સ કોર્ટ ખાતે ટ્રાન્સફર થતા અને ત્યાં ભોગ બનનારની જુબાની એફ.એસ.એલ. રીપોર્ટ વિગેરે પુરાવો તથા જીલ્લા સરકારી વકીલ લાખાભાઇ આર. ચાવડા તથા ડી. આર. ત્રિવેદીની દલીલો ધ્યાને લઈ આરોપી ભીમા હાજા સિંગરખીયાને તકસીરવાર ઠરાવી ગુનાની ગંભીરતા ધ્યાને લઈ દ્વારકાના એડી. સેસન્સ જજ પી.એચ.શેઠએ આઈ.પી.સી. કલમ તથા પોકસો એકટ કલમમાં 10 વર્ષની સખત કેદની સજા ફરમાવેલ તથા રૂ. 10,000નો દંડ અને દંડની રકમ ન ભરેતો વધુ 6 માસની સજા તથા આઈ.પી.સી. કલમ હેઠળ 6 માસની સખત કેદની સજા અને રૂા. 1000 દંડની સજા ફરમાવેલ છે.