કલ્યાણપુર પોલીસકર્મીના સુસાઇડ કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ

ચાર પુત્રીઓએ માતા બાદ પિતાની છત્રછાયા પણ ગુમાવી : પોલીસબેડામાં અટકળો વહેતી થઈ

દ્વારકા : દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક હેડ કોસ્ટેબલે આપઘાત કરી લેતા ચાર પુત્રીઓએ માતા બાદ પિતાની છત્રછાયા પણ ગુમાવી છે તેમજ પોલીસબેડામાં અનેક અટકળો વહેતી થઈ છે. હાલમાં પોલીસકર્મીના સુસાઇડ કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

પ્રાપ્ત વિગતોનુસાર મૂળ ખંભાળિયા તાલુકાના મોવાણ ગામના અને હાલ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં પ્રવીણ વાઘેલા નામના યુવાન પોલીસ કર્મીએ આજે બપોર બાદ ખંભાળિયા નજીક દ્વારકા હાઇવે પર આવેલ ખોડિયાર મંદિર પાસે સરકારી રિવોલ્વરમાંથી ફાયરિંગ કરી આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ જીલ્લા પોલીસવડા નિતેશ પાંડેને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી, પંચનામું કરી આ બનાવનું કારણ જાણવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે ત્રણ માસ પૂર્વે ખંભાળિયામાં ફરજ બજાવતા એક મહિલા કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ ટૂંકા ગાળામાં વધુ એક પોલીસકર્મીની આત્મહત્યાથી પોલીસબેડામાં શોકના મોજા સાથે તર્કવિતર્કની વાતો વહેતી થઈ છે. મૃતક પોલીસકર્મી ચાર પુત્રીઓના પિતા હતા. હજુ સુધી તેમના આપઘાતનું કારણ જાણી શકાયું નથી. હાલમાં પોલીસકર્મીના આપઘાતનું કારણ જાણવા પોલીસ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

જાણવા મળતી વિગત મુજબ મૃતક કોન્સ્ટેબલના પત્નીનું પણ થોડા સમય પહેલા કોરોનાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે હવે ચાર બાળકીઓએ માતાની મમતા ગુમાવ્યા બાદ પિતાની છત્રછાયા પણ ગુમાવી છે.