ખંભાળિયાની હરિપુર તાલુકા શાળામાં વિદ્યાર્થી વિદાય સમારંભ યોજાયો

બાળકોને સન્માનપત્ર પણ અર્પણ કરાયા

જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના હરીપુર તાલુકા શાળામાં પરીક્ષાઓ ધોરણ- 8 ના વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થતાં શાળામાં તેઓની વિદાય માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ધોરણ 6 તથા 7 ના વિદ્યાર્થીઓ દ્વારા વિદાયને લગતા ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. ધોરણ 8 ના બાળકોએ પોતાના પ્રતિભાવો પણ આપ્યા હતા.

શાળાના આચાર્ય છગનભાઈ પરમારે આ શાળામાં અભ્યાસ પૂર્ણ કરી જતા ધોરણ 8 ના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વધુ ઉચ્ચ અભ્યાસ કરી, પ્રગતિ કરે તેમજ એક સારા નાગરિક બને તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે શાળામાં યોજવામાં આવેલી વાર્ષિક સ્પર્ધાઓ જેવી કે રમત-ગમત સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, સ્પેલિંગ હરીફાઈમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા.

ગત વર્ષ દરમિયાન શાળામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી, સન્માનિત કરાયા હતા. ધોરણ 8 ના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, શૈક્ષણિક કિટ અને ફૂલ આપીને શુભેચ્છાઓ સાથે વિદાય આપવામાં આવી હતી. આ સાથે શાળાના તમામ બાળકોએ સમૂહ ભોજન પણ કર્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શત્રુઘ્નભાઈ ગોજીયાએ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા સ્ટાફ રાજેન્દ્રસિંહ ઠાકોર, દિપેનભાઈ બારાઈ, કાળુભાઈ ગોજીયા, સપનાબેન રૂપારેલ તથા વિજયભાઈએ જરૂરી માર્ગદર્શન આપી, જહેમત ઉઠાવી હતી.