ખંભાળિયામાં આવતીકાલે પરશુરામ જયંતીની થશે ભવ્ય ઉજવણી

શોભાયાત્રા તથા પૂજનના કાર્યક્રમો યોજાશે

જામ ખંભાળિયા : ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ક્રાંતિકારી ભગવાન પરશુરામજીની જન્મ જયંતી નિમિત્તે આવતીકાલે મંગળવારે ખંભાળિયા શહેરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અહીંના બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રા સાથે પૂજન-અર્ચનના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

મંગળવાર તારીખ 3 મે ના રોજ ભગવાન પરશુરામજીની જયંતિ નિમિત્તે ખંભાળિયા સ્થિત બ્રહ્મ સમાજના કાર્યાલય ખાતે ભગવાન શ્રી પરશુરામ તથા દ્વારકાધીશજીનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવશે. આ સાથે જ્ઞાતિના બહેનોના ગ્રુપ દ્વારા દિપ આરતી તથા મિત્ર મંડળ દ્વારા પુષ્પવૃષ્ટિ સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે. અત્રે મિલન ચાર રસ્તા પાસેથી આ શોભાયાત્રા પ્રસ્થાન કરી, નગર ગેઈટ, નવાપરા, જોધપુર ગેઈટથી પુનઃ નગર ગેઈટ થઈને સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિની બ્રહ્મપુરી ખાતે સંપન્ન થશે. જ્યાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રામાં ધાર્મિક સંગીતના સુર સાથે વિવિધ અંગ કરતબો રજુ કરવામાં આવશે. આ શોભાયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત-સન્માન કરવામાં આવશે. આ સમગ્ર આયોજન માટે જ્ઞાતિના યુવકો તથા કાર્યકરો દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઇ ગયો છે. આ શોભાયાત્રા દરમિયાન જ્ઞાતિ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાનો હેતુ દર્શાવવામાં આવશે.