ખંભાળિયા શહેરમાં વિવિધ મહત્વના કાર્યો માટે આજે રૂ. અઢી કરોડના કામોનું થશે ખાતમુહૂર્ત

જામ ખંભાળિયા : ખંભાળિયા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં નિર્માણ તથા શુશોભન સહિતની વિવિધ સુવિધાઓમાં વધારો થાય તે હેતુથી શહેર માટે સરકારની સાંપડેલી ગ્રાન્ટ તથા યોજનાઓ અંતર્ગત આશરે રૂપિયા અઢી કરોડના ખર્ચે હાથ ધરાનાર વિકાસકામોનું ખાતમુહૂર્ત આજે સોમવારે સવારે કરવામાં આવશે.

ખંભાળિયા શહેરમાં જામનગર તરફથી પ્રવેશવાના માર્ગ પર આઈ. ટી.આઈ. પાસે રૂપિયા 35 લાખના ખર્ચે વેલકમ ગેટ, પૂર સંરક્ષણ દિવાલ, રોડ તથા લાઇટિંગ માટે રૂપિયા 72 લાખના ખર્ચે હાથ ધરાનાર કામ, સુખનાથ મંદિર પાસે રૂપિયા 40 લાખના ખર્ચે પુલનું ખાત મુહુર્ત તેમજ અત્રે ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી પાસે રોડ અને ગટર માટે રૂપિયા 30 લાખના કામોનું ખાતમુહૂર્ત આવતીકાલે સોમવારે 10 વાગ્યે કરવામાં આવશે.

સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા 15 મા નાણાપંચ યોજના હેઠળ ઉપરોક્ત વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત સોમવારે સવારે યોજવામાં આવ્યા છે.

આ ઉપરાંત રૂપિયા 80 લાખના ખર્ચે અહીંના સુમરા તરઘડી ખાતે આવેલા વર્મીકમ્પોસ્ટ પ્લાન્ટ ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવા, એલસીબી ઓફિસ નજીક રૂપિયા દસ લાખના ખર્ચે સી.સી. રોડ, સહિત કુલ આશરે અઢી કરોડના ખર્ચે દોઢ ડઝન જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું છે. જે માટે નગરપાલિકાના હોદ્દેદારો, અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.