જગતમંદિરમાં કાળીયા ઠાકોરને અક્ષય તૃતીયા નિમિત્તે ચંદનના લેપનો શૃંગાર

ઉનાળામાં ઠંડક માટે શ્રીદ્વારકાધીશને અષાઢી બીજ સુધી ચંદન અને ફૂલોના શૃંગાર ધરાશે

દ્વારકા : દેવભૂમિ દ્વારકા સ્થિત જગતમંદિરમાં કાળીયા ઠાકોરને અક્ષય તૃતીયા નિમિત્તે ચંદનના લેપનો શૃંગાર કરવામાં આવ્યો છે. જેના દર્શન અને આરતીનો ભાવિકોએ લાભ લીધો છે. ઉનાળામાં ઠંડક માટે શ્રીદ્વારકાધીશને અષાઢી બીજ સુધી ચંદન અને ફૂલોના શૃંગાર ધરવામાં આવશે.

રાજ્યભરમાં આકરો ઉનાળો લોકોને તપાવી રહ્યો છે ત્યારે ભગવાન શ્રીદ્વારકાધીશને ગરમી ન લાગે તે માટે આજે અક્ષય તૃતીયાથી અષાઢી બીજ સુધી ચંદન વાઘા અને આવતીકાલથી પુષ્પ શૃંગારના દર્શન થશે. આજે અક્ષય તૃતીયા નિમિત્તે પ્રભુને ચંદનના લેપ લગાડવામાં આવ્યો છે. આમ, આજના દિવસે દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ચંદનયાત્રાના દર્શનનો લાભ લીધો છે.

આજે અક્ષય તૃતીયાના પવિત્ર દિવસથી રાજાધિરાજ ભગવાન શ્રીદ્વારકાધીશજીને ગરમી ન લાગે તેવા હેતુ સાથે પરંપરા મુજબ બહારથી ચંદન મંગાવી સાથે કેસર, કસ્તુરી, ગોલોચન, અંબર જેવા દિવ્ય દ્રવ્યોનું મિશ્રણ કરી ભગવાનને મસ્તકથી ચરણ સુધી ચંદનનો લેપ લગાડી શૃંગાર કરવામાં આવે છે. ત્યારે આજે અખાત્રીજથી ભગવાનને ચંદન વાઘાના શૃંગારની શરૂઆત થઈ ગઈ છે. આજે ઉત્સવ દર્શન અને આરતીનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા.

આજે અક્ષય તૃતીયાથી છેક અષાઢી બીજ સુધી ભગવાનને રોજ સવારે ચંદનના લેપનો શૃંગાર કરવામાં આવશે. કારણ કે અહીં ભગવાન રાજા સ્વરૂપે બિરાજે છે. ત્યારે આજથી ભગવાનને સોના-ચાંદીના આભૂષણોને બદલે ચંદનનો લેપ લગાડી શૃંગાર કરવામાં આવશે. તેમજ આવતીકાલથી દરરોજ બપોર બાદ ભગવાનને પુષ્પોનો શૃંગાર કરવામાં આવશે.