ખંભાળિયામાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરાઇ

મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ સામૂહિક નમાજ અદા કરી

જામ ખંભાળિયા : ખંભાળિયામાં સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત દ્વારા આજરોજ ઈદ-ઉલ-ફિત્ર (રમજાન ઈદ)ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

દેવભૂમી દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ઈદ-ઉલ-ફિત્ર (રમઝાન ઈદ) નિમિતે હાથ ધરવામાં આવેલી ઉજવણીમાં ખંભાળિયા સુન્ની મુસ્લિમ સમાજ જમાતના પ્રમુખ હુશેનભાઈ ભોકલ, ઉપપ્રમુખ રહીમભાઈ ચાકી સાથે આગેવાનો હારૂનભાઈ શેખ, અબ્દુલભાઈ સુમરા, ઈમ્તિયાઝખાન પઠાણ, મમુ ભગાડ, કાદરભાઈ ખત્રી વિગેરે જોડાયા હતા. અત્રે પોરબંદર રોડ પર આવેલી હાજી ઘસેડીયા પીરની દરગાહ પાસે ઈદ ગાહ મસ્જીદ પર ઈદ-ઉલ-ફિત્ર (રમઝાન ઈદ) ની નમાઝ અદા કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ એક-બીજાને ઈદની મુબારક બાદી પાઠવી, એક બીજા ગળે મળીને ઈદની ઉજાવણી કરાઈ હતી. ઇદગાહ ખાતે આશરે પાંચ હજાર જેટલા લોકોએ ઈદ-ઉલ-ફિત્રની નમાઝ અદા કરી હતી.