ખંભાળિયા પંથકમાં ધમધમતા જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી: સાત શખ્સો ઝબ્બે

રૂ. 1.60 લાખનો મુદ્દામાલ કબ્જે

જામ ખંભાળિયા : ખંભાળિયા પંથકમાં ગતરાત્રે સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાયદો અને વ્યવસ્થાની કામગીરી અંતર્ગત ચોક્કસ બાતમીને આધારે અહીંના આંબરડી ગામના વાડી વિસ્તારમાં ધમધમતા જુગારના અખાડામાંથી સાત શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રૂ. 1.60 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.

ખંભાળિયા નજીક આવેલા આંબરડી ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા વલ્લભ લાલજી ત્રિવેદી નામના 40 વર્ષીય યુવાન દ્વારા પોતાની કબજા-ભોગવટાની વાડીએ જુગારનો અખાડો ચલાવવામાં આવતો હોવાની ચોક્કસ બાતમી અહીંના હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુર, પ્રદિપસિંહ જાડેજા તથા જેઠાભાઈ પરમારને મળતા આ સ્થળે જુગાર દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળેથી પોલીસે જુગાર રમી રહેલા વલ્લભ લાલજી ત્રિવેદી, બાબુ ત્રિકમ પાઠક, મનસુખ મેરામણ વસરા, પરસોતમ નાથા પાઠક, જેઠા કેસુર વસરા, જીતેન્દ્ર ભીખુગિરી ગોસ્વામી અને રજની મોહનભાઈ દત્તાણી નામના સાત શખ્સોને ઝડપી લીધા હતા.

પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 38 હજાર રોકડા તથા રૂપિયા 16,500ની કિંમતના છ નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા 1.05 લાખની કિંમતના પાંચ મોટર સાયકલ કબ્જે કર્યા હતા. આમ, કુલ રૂપિયા 1,59,500 ના મુદ્દામાલ સાથે પોલીસે સાતેય શખ્સોની અટકાયત કરી, જુગાર ધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.

આ સમગ્ર કાર્યવાહી અહીંના પી.આઈ. પી.એમ. જુડાલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એમ.જે. સાગઠીયા, હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, જેઠાભાઈ પરમાર, પ્રદિપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તથા યોગીરાજસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.