દ્વારકાની પ્રાચીન ગૌશાળામાં ગૌમાતાઓએ છપ્પનભોગ આરોગ્યા

શ્રીકૃષ્ણ લીલાની ઝાંખીનો રંગારંગ કાર્યક્રમ યોજાયો

દ્વારકા : તીર્થનગરી દ્વારકામાં જૂની ગૌશાળા ખાતે ગાય માતા માટે છપ્પનભોગ મનોરથ યોજાયો હતો. સાથે સાથે શ્રીકૃષ્ણ લીલા આધારિત પ્રખ્યાત ઝાંઝરી ગ્રુપનો રંગારંગ કાર્યક્રમ સ્થાનિકોએ મોડી રાત્રી સુધી માણ્યો હતો.

દેવભૂમિ યાત્રાધામ દ્વારકામાં ૧૩૫ વર્ષ જૂની ગૌશાળા ખાતે ગૌશાળા કમિટી અને એક યજમાન પરિવાર દ્વારા ગૌમાતા માટે છપ્પનભોગ અને અન્નકૂટની મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો અને ગૌપ્રેમીઓની ઉપસ્થિતિ રહી હતી. સાંજે પાંચ વાગ્યાથી ૫૬ ભોગ મનોરથ અને બાદમાં મહાઆરતી બાદ મોડી રાત્રી સુધી ભગવાન શ્રીકૃષ્ણની લીલા તેમજ શ્રીદ્વારકાધીશજીની ઝાંખીનો સંગીતમય નાટય કાર્યક્રમ દ્વારકાના પ્રખ્યાત ઝાંઝરી ગ્રુપના યુવાનો દ્વારા પીરસવામાં આવ્યો હતો. ગૌશાળામાં આવેલ મહેમાનોએ ગાયો સાથે ઘણો સમય પણ વિતાવ્યો હતો. અને આયોજનમાં રઘુવંશી યુવાનોનો ફાળો વિશેષ રહ્યો હતો.