અંગ્રેજો સામે શુરવીરતાથી લડી શહીદી વહોરનાર મૂરુભા માણેકની પુણ્યતિથિ ઉજવાઈ

અખિલ ભારતીય ક્ષત્રિય વાઘેર સમાજ દ્વારા સ્કૂટર રેલી, જગતમંદિરે ધ્વજારોહણ અને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

દ્વારકા : ઓખામંડળના ક્રાંતિવીર મૂરુભા માણેકની ૧૫૪મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય સ્કૂટર રેલી યોજાઇ અને ક્રાંતિવીરને પુષ્પાંજલિ સાથે જગતમંદિરનાં શિખર ઉપર નૂતન ધ્વજા આરોહણ કરાયું હતું. જેમાં સમગ્ર અખિલ ભારતીય ક્ષત્રિય વાઘેર સમાજ ઉપસ્થિત રહ્યો હતો.

દ્વારકા સહિત સમગ્ર ઓખામંડળ તાલુકામાં અખિલ ભારતીય ક્ષત્રિય વાઘેર સમાજ દ્વારા ક્રાંતિવીર મુરૂભા માણેકની ૧૫૪મી પુણ્યતિથિ નિમિત્તે સુરજકરાડીથી દ્વારકા સુધી વિશાળ સ્કૂટર રેલી યોજાઈ હતી. ઓખામંડળના ક્રાંતિવીર મુરૂભા માણેકને યાદ કરતા ‘જય રણછોડ’નાં નાદ સાથે કેસરી અને તિરંગા ઝંડા સાથે ભવ્ય રેલી બપોરથી સાંજ સુધી નીકળી હતી. આ પ્રસંગે ક્રાંતિવીરને શ્રદ્ધાંજલિ પાઠવવા અખિલ ભારતીય ક્ષત્રિય વાઘેર સમાજ દ્વારા દ્વારકાધીશજીની ધ્વજાજી આરોહણનો પ્રસંગ પણ યોજવામાં આવ્યો હતો.

ઈ.સ. ૧૮૫૭થી ૧૮૬૮ સુધી ઓખામંડળના રાજવી લડવૈયા મરૂભા માણેકની આગેવાની સાથે અંગ્રેજો સામે શુરવીરતા સાથે લડત આપી અંગ્રેજો માટે આ લડત લોઢાના ચણા ચાવવા સમાન બનાવી હતી. અંગ્રેજો સામે લડત આપતા ક્રાંતીવીર મુરૂભાએ તેમના સાથીઓ સાથે પોરબંદરના બરડા ડુંગર વિસ્તારના વાચ્છોળા ગામે તા. ૭-૫-૧૮૬૮ ના સંધ્યાકાળે વીરગતિ પામી હતી. જેમાં ક્રાંતિવીર મુરૂભા માણેક, જોધાભા માણેક, દેવુભા માણેક જેવા શુરવીરો વીરગતિ પામ્યા હોય, દર વર્ષની જેમ આ વર્ષ પણ ક્રાંતિવીરોને શ્રદ્ધાંજલિ અર્પવા ભવ્ય કાર્યક્રમ ભાજપ નેતા અને સમાજના પ્રમુખ પબુભા માણેકની દેખરેખ હેઠળ યોજવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આખાયે દેશને બાનમાં લેનાર અંગ્રેજો દ્વારકા એટલે કે ઓખામંડળ પર કદી કબ્જો જમાવી શક્યા ન હતા.