જામખંભાળીયામાં હવે ગરમ ગાંઠિયાનો ભાવ રૂ. 400ને બદલે રૂ. 360 : રૂ. 40નો ઘટાડો કરાયો

 

ગ્રાહક સુરક્ષા મંડળની રજુઆતને સમર્થન : વેપારીઓ સાથે મામલતદારની મીટિંગમાં નિર્ણય લેવાયો

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયામાં ફરસાણના દુકાનદારો અને રેકડીધારકો ગરમ ગાંઠિયાના હવે રૂપિયા 400ને બદલે રૂ. 360 લેશે. આમ, ખંભાળિયા ગ્રાહક સુરક્ષા મંડળની રજુઆતને સમર્થન આપી મામલતદારની મીટિંગમાં ગરમ ગાંઠિયામાં રૂપિયા 40નો ઘટાડો કરવાનો સ્વૈચ્છીક નિર્ણય કરવામાં આવ્યો છે.

ખંભાળિયામાં ફરસાણના વેપારીઓ, રેકડીધારકો, ગ્રાહકો પાસેથી ગાંઠિયાના 400 રૂપિયા વસુલતા ખંભાળિયા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દિલીપસિંહ ચાવડાએ કલેકટરને ગેરવ્યાજબી ભાવવધારા પર નિયંત્રણ લાવી ગ્રાહકોનું શોષણ થતું અટકાવવા રજુઆત કરેલ હતી. જે રજુઆત સંદર્ભે જિલ્લા પુરવઠા અધિકારી અને ખંભાળિયા મામલતદારે ઘટતા પગલાં લઇ ફરસાણધારકોની બેઠક રાખી વ્યાજબી ભાવ બાંધણું કરવા જણાવ્યું હતું.

જે અનુસંધાને આજરોજ તારીખ 12/05/22ને ગુરુવારના રોજ ખંભાળિયા મામલતદાર લુક્કા એ ખંભાળિયાના ફરસાણના વેપારીઓ, રેકડીધારકો સાથે એક બેઠક યોજી સ્વૈચ્છીક રીતે ફરસાણના ભાવ ઘટાડવા સૂચન કરતા વેપારીઓ, રેકડીધારકોએ હવે 400ની જગ્યાએ 360 રૂપિયા ભાવ નક્કી કરતા હવે ગરમ ગાંઠીયામાં 40 રૂપિયાનો ઘટાડો કરવામાં આવેલ છે. તેમજ આ ભાવનું ગ્રાહકો જોઈ શકે તેમ બોર્ડ રાખવા, દુકાનમાં, રેંકડીઓમાં ચોખ્ખાઈ રાખવા ખંભાળિયા મામલતદારે સૂચન કરેલ હતું.

જે વેપારીઓ, રેંકડીધારકોએ માન્ય ગણી હવે પછી એક કિલોગ્રામ ગરમ ગાંઠિયાના રૂ. 360 લેવામાં આવશે, તેમજ ઠંડા ફરસાણના રૂ. 280 લેવામાં આવશે. આમ, ગ્રાહક સુરક્ષા મંડળની રજુઆતને સમર્થન મળેલ છે.