ભાણવડમાં સંત દાસારામ બાપાના નવનિર્મિત મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

 

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઝારેરા ગામે સગર સમાજના સંત શિરોમણી શ્રી દાસારામ બાપાના નવનિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધુમપુર્વક ઉજવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં બિહારના નાયબ મુખ્યમંત્રી રેણુ દેવી, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, ચિરાગ કાલરીયા, મુળુભાઈ બેરા, ચીમનભાઈ સાપરિયા, અર્જુનભાઈ મોઢવાડીયા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ આયોજનમાં 151 કુંડી યજ્ઞ તથા પૂજ્ય દાસારામ બાપાની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સગર સમાજની 383 કરતાં વધારે મોટરકાર અને અનેક બાઇક સવારો સામેલ થયા હતા. રસ્તા પર આવતા ગામડાઓ રાણપરડા, રુપામોરા, રોજીવાડા તથા ઈશ્વરીયા ગામોમાં શોભાયાત્રાનું ભવ્ય સન્માન કરાયું હતું.

કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ રાત્રીના સગર સમાજના યુવા કલાકારો દ્વારા રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. દિવસ દરમિયાનના કાર્યક્રમોમાં સગર સમાજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, તેજસ્વી યુવાનોના સન્માન તથા મંગલ રાઠોડ, મંજુલા ગોસ્વામી, જયેશ પ્રજાપતિ, ડૉ. હાર્દિક, નિકુંજ યા‌જ્ઞિક તથા સંજય રાવલ જેવા ખ્યાતનામ વક્તાઓના વક્તવ્યનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતી માટે બિહારના મુખ્યમંત્રી રેણુ દેવીએ ખાસ હાજરી આપી હતી. જેમણે કાર્યકરો અને આયોજકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ ત્રિદિવસીય કાર્યક્રમ દરમ્યાન ગુજરાતના ખ્યાતનામ કલાકારો કિર્તીદાન ગઢવી, ગીતા રબારી, બીરજુ બારોટ, ઉમેશ બારોટ, દેવરાજ ગઢવી તથા કિશોરદાન ગઢવી તથા સમાજના યુવા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા

આ ત્રિદિવસીય આયોજન દરમ્યાન રક્તદાન કેમ્પ અને રાજકોટની ખાનગી હોસ્પિટલ દ્વારા ઈમરજન્સી સેવાઓ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ આયોજન દરમિયાન લાખો ભક્તો માટે પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં આશરે બે લાખ જેટલા ભક્તોએ પ્રસાદી લીધી હતી. સગર સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમ દરમ્યાન પૂજ્ય દાસારામ બાપાની દુનિયાની સૌથી મોટી કાઠીયાવાડી પાઘડી અને 2500 પાઘમાળાના વિતરણના બે વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત સહિત દેશ-વિદેશના સગર સમાજના વ્યક્તિઓ અને ઝારેરા સાથે આસપાસના તમામ ગામોના વિવિધ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમણે કાર્યક્રમને સફળ બનાવવા માટે નોંધપાત્ર સહકાર આપ્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી દાસારામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સમાજના આગેવાનો, દાતાઓ, દાસારામ સગર યુવક મંડળ ભાણવડના યુવાનો તથા સગર જ્ઞાતિના આસપાસના તમામ ગામોના યુવક મંડળના યુવાનોએ સ્વયં સેવક તરીકે ખડે પગે સેવાઓ આપી હતી.