બોગસ દસ્તાવેજો બનાવી અને ગેરકાયદેસર કૃત્ય કરવા સબબ વહાણના સંચાલકો સામે ગુનો

 

જામ ખંભાળિયા : ઓખાના દરિયા મારફતે એમ.એસ.વી. સફીના અલ ઘૌસ સૈલાની (બી.ડી.આઈ./ 1290) નામની બોટ મારફતે એમ.ડી. જામનગરના સંચાલકો દ્વારા સપ્લાયર અર્થે ઉપરોક્ત વહાણની સલાયાથી દુબઇ જવા માટેની મંજૂરી કોસ્ટ ગાર્ડ પાસેથી મેળવવામાં આવી હતી.

ગત તારીખ 19 સપ્ટેમ્બર 2020ના સમયગાળામાં ઉપરોક્ત વહાણને સલાયાથી દુબઈ લઈ જવાના બદલે વહાણ સંચાલકો દ્વારા મસ્કત (ઓમાન) લઈ જવામાં આવ્યું હતું. આમ, મંજૂરી વગર અન્ય દેશમાં જવા ઉપરાંત અન્ય વહાણના ક્રુ-મેમ્બરને પોતાના વાહનોમાં ગેરકાયદેસર રીતે સલાયા લઈ જવામાં આવ્યા હોવાનું કોસ્ટ ગાર્ડના ધ્યાને આવ્યું હતું.

આટલું જ નહી, આ ક્રૂ-મેમ્બરનો પગાર સલાયાથી ભારતીય ચલણમાં કરવામાં આવ્યો હોવાથી આ સમગ્ર પ્રકરણમાં આરોપીઓએ પૂર્વયોજીત કાવતરુ રચી અને ભારતને આર્થિક નુકસાન પહોંચાડવાના આશય સાથે ખોટા દસ્તાવેજો બનાવીને ઠગાઈ કરવા ઉપરાંત આ ખોટા દસ્તાવેજોને સાચા તરીકે ગણાવી અને ફોનનો ડેટા ડીલીટ કરી પુરાવામાં ફેરફાર કરી અને નાશ કરવામાં આવ્યો હતો.

આમ, આ સમગ્ર કૌભાંડ કોસ્ટ ગાર્ડ તથા પોલીસ તંત્રના ધ્યાને આવતા પોલીસે આ અંગે કોસ્ટ ગાર્ડ અધિકારી ગૌરવ ત્યાગીની ફરિયાદ પરથી વહાણના અજાણ્યા શખ્સો સામે આઈ.પી.સી. કલમ 420, 429, 465, 467, 467, 471, 201, 114, 120 (બી) વિગેરે જેવી ગંભીર કલમો નોંધી આ સમગ્ર પ્રકરણની તપાસ ખંભાળિયાના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીને સોંપવામાં આવી છે. જે સંદર્ભે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.