દ્વારકા જિલ્લાની પત્રકાર એકતા પરિષદ મિટિંગ સર્કિટ હાઉસ ખાતે મળી

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાની પત્રકાર એકતા પરિષદ મિટિંગ સર્કિટ હાઉસ, દ્વારકા ખાતે મળી હતી. જેમાં પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ પ્રભારી સહિત આગેવાનોની હાજરીમાં સર્વાનુમતે જિલ્લા પ્રમુખ તરીકે અનિલભાઈ લાલની નિમણુક કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષસ્થાને તેમજ પ્રદેશ પ્રભારી ગૌરાંગભાઈ પંડયાના નેતૃત્વમાં મિટીંગ મળી હતી. જેમાં પ્રદેશ આઇ.ટી. સેલ સમીર બાવાણી, પ્રદેશ અગ્રણી મુકેશભાઈ સખીયાં, પ્રહલાદભાઈ ચૌહાણ, ઝોન ૯નાં પ્રભારી ભરતસિંહ રાઠોડ, ઝોન ૯ના સહપ્રભારી દિનેશભાઈ કલાલ સહિત આગેવાનોની હાજરી અને સ્થાનિક વરિષ્ઠ પત્રકારોની હાજરીમાં પ્રદેશ અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. ઉપસ્થિત મહેમાન અને મંચસ્થ મહાનુભવોનું પુષ્પગુચ્છ અને પુષ્પહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમને આગળ વધારતા પ્રદેશ પ્રભારી ગૌરાંગભાઈ પંડ્યા દ્વારા પોતાના શાબ્દિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે 15 સપ્ટેમ્બર, 2019 નાં દિવસે ગાંધીનગર ખાતે પ્રથમ બેઠક યોજાઇ હતી અને આજ દિન સુધીમાં ગુજરાતનાં મોટાભાગનાં જિલ્લાઓમાં બીજા અને ત્રીજા તબક્કાની બેઠકો યોજી સંગઠનને મજબૂત કરવાનું કાર્ય પત્રકાર એકતા સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે. અને નજીકના સમયમાં માત્ર બાકીના 4 જિલ્લાઓની સંગઠનની કારોબારીની રચના કરી સમગ્ર ગુજરાતમાં 33 જિલ્લાઓ અને 252 તાલુકાઓમાં પત્રકાર એકતા સંગઠનની કારોબારી પૂર્ણ કરવામાં આવશે.

ત્યારબાદ ઉપસ્થિત અન્ય મહાનુભવો દ્વારા પત્રકાર એકતા સંગઠનનાં તેમના જિલ્લામાં અને સંગઠન સાથેના અનુભવો હાજર પત્રકાર મિત્રો સાથે વહેંચ્યા હતા. અને પત્રકાર એકતા સંગઠન સાથે જોડાઈ અને પત્રકારોને મજબૂત બનાવવા આહવાન કર્યું હતું.

વિશેષ ઉપસ્થિત પત્રકાર એકતા સંગઠનનાં પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા દ્વારા સંગઠનનાં કાર્યો વિશે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે પત્રકાર એકતા સંગઠન દ્વારા પત્રકારોને વિવિધ રૂપે મદદરૂપ થયા છે અને સરકાર સમક્ષ રજૂ કરેલી વિવિધ માગણીઓ પૈકીની મહત્તમ માગણીઓ એક મહાઅધિવેશન આગામી દિવસોમાં યોજી અને સરકારનાં પ્રતિનિધિ પોતે જ મંચ પરથી જાહેરાત કરશે.

પત્રકાર એકતા સંગઠનની કાર્યપદ્ધતિ મુજબ કાયદેસરની ચૂંટણી પ્રક્રિયા યોજી હાજર પત્રકારો પાસેથી નામની દરખાસ્ત મંગાવતા સર્વાનુમતે અનિલભાઈ લાલની દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી હતી. અને પત્રકાર એકતા પરિષદનાં ઝોન 4 (જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા)ના પ્રભારી તરીકે ગોવિંદભાઈ મોતિવરસની વરણી કરવામાં આવેલ હતી.