ભાણવડમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે યુવાનો ઝડપાયા

જામ ખંભાળિયા : ભાણવડ તાબેના વિજયપુર ગામેથી પોલીસે પસાર થતા જી.જે. 37 એચ. 9494 નંબરના હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલનું ચેકિંગ કરતા આ મોટર સાયકલ પર જઈ રહેલા વિજયપુર ગામના રામદે નથુ પિપરોતર અને ભાણવડના રહીશ હરદાસ ઊર્ફે મુન્નો વેજા સોલંકી નામના બે શખ્સોએ છુપાવી રાખેલી રૂ. 4,800 ની કિંમતની બાર બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂ. 20 હજારની કિંમતની મોટરસાયકલ તથા દારૂના જથ્થા સાથે ઉપરોક્ત બન્ને શખ્સોની અટકાયત કરી હતી.

દારૂનો આ જથ્થો તેઓએ પોરબંદર જિલ્લાના બગવદર તાલુકાના રાજુ નાથા વેશરા નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા ભાણવડ પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.