હાઈપોક્સિકથી શરીરને અનુકૂળ બનાવી ગણતરીના દિવસોમાં માઉન્ટ એવરેસ્ટ સર કરતા ખંભાળિયાના તબીબ

ભારતવર્ષમાં સૌથી ઝડપથી બે પર્વતો સર કરવાનો રેકોર્ડ ડૉ. સોમત ચેતરિયાના નામે : સૌરાષ્ટ્રમાંથી માઉન્ટ એવરેસ્ટ સર કરનાર તેઓ પ્રથમ વ્યક્તિ

દ્વારકા : અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. દ્રઢ મનોબળ હોય, ઇચ્છાશક્તિ હોય, નક્કી કરેલા ધ્યેયને પ્રાપ્ત કરવાની મનમાં ધૂન હોય તો માઉન્ટ એવરેસ્ટ પણ નાનો પડે એ વાત ખેડૂતપુત્ર, આહીરરત્ન ડૉ. સોમાત ચેતરિયાએ સાબિત કરી દીધું છે. કારણ કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયાના ડૉ. સોમાત ચેતરિયાએ દુનિયાનું સૌથી ઊંચું માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરી લીધું છે.

ખંભાળિયા ખાતે ડોક્ટરી વ્યવસાયની સાથે સાથે ઘરે બેઠા બેઠા હાઈપોક્સિકની તાલીમ લઈ પોતાના શરીરને અનુકૂળ બનાવી માત્ર 23 દિવસમાં જ 13 મે, 2022 ના રોજ દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરી લીઘું છે. આ સાથે ભારતવર્ષમાં સૌથી ઝડપથી 2 પર્વત સર કરવાનો રેકોર્ડ તેમના નામે થયો છે.

ડૉ. સોમત ચેતરિયા (સાકેત હોસ્પિટલ, ખંભાળિયા) એ 13 મેના રોજ માઉન્ટ એવરેસ્ટ કે જે વિશ્વનું સૌથી ઊંચું શિખર સર કર્યું છે. તેઓ પ્રથમ ભારતીય છે કે જેમણે ઘરે બેઠા હાયપોક્સિકની તાલીમ લીધી, ઘરે જ પોતાની જાતને અનુકૂળ બનાવી અને માત્ર 23 દિવસમાં માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું છે. તેઓ સૌરાષ્ટ્રમાંથી માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ વ્યક્તિ બની આહિર સમાજ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું તથા લાંબા ગામનું ગૌરવ વધાર્યું છે.

ત્યારે બેઝ કેમ્પમાં આવ્યા પછી તેમનો અનુભવ કેવો રહ્યો તે તેમના શબ્દોમાં જ જાણીએ.

મિત્રો,માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ લાહોત્સે તારીખ 13 મે તથા 14 મે ના રોજ સર કર્યા.

લેટ પોસ્ટ એટલા માટે કરું છું કારણ કે જ્યારે મેં એવરેસ્ટ-લાહોત્સે સમિટ કર્યું હોય ત્યારે હું અથવા કોઈ પર્વતારોહી નેટવર્કમાં નથી હોતા પણ સમિટ થાય એટલે એજન્સીઓ દ્વારા કુટુંબીજનોને જાણકારી આપી દેવાતી હોય છે અને એટલે હજી હું નીચે બેઝ કેમ્પ નેટવર્કમાં આવું એની પહેલા તમને બધાંને આ સમાચાર મળી ગયેલ હતા.

આજે પોસ્ટ મારા પર્વતારોહણમાં જે રેકોર્ડ બન્યા તેના માટે કરું છું. એવરેસ્ટ-લાહોત્સે 24 કલાકની અંદર સર કરી ભારતવર્ષમાં સૌથી ઝડપથી 2 પર્વત સર કરવાનો રેકોર્ડ મારા નામે થયો છે અને 2019ના વષઁનો મુંબઈ સ્થિત પર્વતારોહી કેવલ કાક્કાનો રેકોર્ડ તોડયો છે.

બીજું, પર્વતારોહણનો સમય ઘટાડાવા માટે કોઇ પર્વતારોહીએ ભારતમાં પહેલીવાર હાઇપોક્ષીક સિસ્ટમનો ઉપયોગ કરી શરીરને ઘર પર રહીને જ ઓછાં ઓક્સિજનને અનુરૂપ બનાવ્યું અને સંપૂર્ણ એક્સ્પેડીશન માત્ર 23 દિવસમાં પૂરું કર્યું હતું જે પણ ભારતનો રેકોર્ડ છે.