ભાણવડ નજીક પૂરપાટ જતા બોલેરો વાહન ચાલકે ગાડાને મારી ઠોકર: બાળકનું કરૂણ મોત

અન્ય બે ઘવાયા: આરોપી વાહન ચાલક ફરાર

જામ ખંભાળિયા : ભાણવડ તાલુકાના વાનાવડ ગામે રહેતા માવજીભાઈ દાનાભાઈ વાઘેલા નામના 35 વર્ષીય યુવાન તેમના બળદગાડામાં તેમના બાર વર્ષીય પુત્ર મયુર તથા ચીમનભાઈ સાદીયાને સાથે લઈને જઈ હતા, ત્યારે રાત્રીના આશરે બારેક વાગ્યાના સમયે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 10 વાય 4124 નંબરના બોલેરો પીક અપ વાનના ચાલકે માવજીભાઈના બળદગાડાને પાછળથી ઠોકર મારી હતી.

આ ટક્કરમાં બળદ ગાડામાં બેઠેલો બાર વર્ષીય માસૂમ બાળક મયુર ફેંકાઈ જતાં તેને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. આ ઉપરાંત બળદગાડામાં જઈ રહેલા ચીમનભાઈ તથા માવજીભાઈને પણ નાની-મોટી ઈજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. અકસ્માત સર્જી, આરોપી બોલેરો ચાલક પોતાનું વાહન મૂકીને નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે માવજીભાઈ વાઘેલાની ફરિયાદ પરથી બોલેરો પીક-અપ વાહન ચાલક સામે આઈ.પી.સી. કલમ 304 (એ), 337, 338, 279 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.એ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે. આ કરૂણ બનાવે મૃતક બાળકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.