દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડુતો માટે પ્રાકૃતિક કૃષિની દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના માટે ઓનલાઈન આઈ-ખેડૂત પોર્ટલ પર તારીખ 27 મે સુધી રજીસ્ટ્રેશન થઇ શકશે. રાજ્યના ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે તેમજ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડુતોની સંખ્યામાં વધારો થાય તે માટે સરકાર દ્વારા આ યોજના શરૂ કરાઇ છે. જેમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત પરિવારને એક દેશી ગાયના નિભાવ ખર્ચ માટે પ્રતિ મહિને રૂ. 900 મળવાપાત્ર છે. આ માટે ખેડૂત પાસે આઈડેન્ટીફિકેશન ટેગ ધરાવતી દેશી ગાય હોવી તેમજ અરજદાર ખેડૂતે પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધેલી હોવા તથા પ્રાક્રુતિક ખેતી કરતો હોવો જરૂરી છે.

અગાઉ આ યોજના હેઠળ લાભ મળેલા હોય તેવા ખેડુતો અરજી કરી શકશે નહી. આ યોજના માટે અરજદાર ખેડૂતે તા. 27 મે સુધીમાં આઇ- ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી પ્રિન્ટઆઉટ અરજી સાથે 7-12 ની નકલ અથવા 8-અ ની નકલ, સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતીપત્રક, દેશી ગાય ધરાવતા હોય તેવો ટેગ નંબર સાથેનો ફોટોગ્રાફ અને બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલો ચેક જોડીને અરજી કર્યાના સાત દિવસમાં પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી, આત્મા પ્રોજેક્ટ, ખેડૂત તાલીમ કેન્દ્ર, બાજરા સંશોધન કેન્દ્ર, એરફોર્સરોડ, વુલન મિલની સામે, જામનગર ખાતે રજુ કરવાની રહેશે તેમ દેવભૂમિ દ્વારકા આત્મા કચેરીના પ્રોજેક્ટ ડાયરેકટરની યાદીમાં જણાવાયું છે.