દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં ચોમાસા અંગે પ્રિ-મોન્‍સુનની બેઠક યોજાઈ

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં આગામી ચોમાસાના અનુસંધાને પુર્વ તૈયારી અંગેની સમીક્ષા બેઠક ખંભાળિયા સ્થિત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર એમ.એ. પંડયાના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્‍લાના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ હેડકવાર્ટરમાં રહે તે અંગેની સુચનાઓ આપવામાં આવી હતી. લાયઝન અધિકારીએ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીના સંકલનમાં રહી, નિચાણવાળા વિસ્‍તાર તેમજ વાવાઝોડાથી સંભવિત અસરગ્રસ્‍ત વિસ્‍તારની મુલાકાત લેવા અને આશ્રયસ્‍થાનો અપડેટ કરવા જણાવ્‍યું હતું. આ સાથે શેલ્‍ટર હોમ ખાતે રાઉન્‍ડ ધ કલોક શેલ્‍ટર ઇન્‍ચાર્જ, મેડીકલ સ્‍ટાફ અને પોલીસ સ્‍ટાફની નિમણુંક કરવા તેમજ એન.જી.ઓ.ના સંકલનમાં રહી ફુડ પેકેટ તૈયાર કરવાનું આયોજન કરવા જણાવાયું હતું.

હોર્ડિંગ્‍સ તેમજ રસ્‍તા પર આવેલ ઝાડની નડતરરૂપ ડાળીઓ દુર કરવા સંબંધિત વિભાગને સુચનાઓ આપવામાં આવી હતી. વિજ પુરવઠો સતત જળવાય રહે તે માટેનું આયોજન તથા મેઇનટેનન્‍સ માટેના મટીરીયલનો જરૂરી જથ્‍થો ઉપલબ્‍ધ રાખવા પીજીવીસીએલને સુચના અપાઈ હતી. માછીમારો દરીયામાં ન જાય અને દરીયામાં ગયેલા માછીમારો તાત્‍કાલીક પરત આવી જાય તેવી સુચના આપવા ફીશરીઝ અધિકારીને જણાવવામાં આવ્‍યું હતું. બચાવ અને રાહત કામગીરી માટેની ટીમો બનાવવા, ઉપરાંત દરીયા કિનારાથી પાંચ કી.મી.ની ત્રિજયામાં રહેલા ગામોની યાદી તૈયાર કરવા અને દરીયા કિનારા નજીકના વિસ્‍તારો માટે ચેતવણીની વ્‍યવસ્‍થા કરવા નક્કી કરવામાં આવ્યું હતું. ભયજનક મકાનો, કાચા મકાનો, છાપરા અને તેમાં રહેતા લોકોને સમયસર ચેતવણી મળે તેવી વ્‍યવસ્‍થા કરવા ચર્ચા કરવામાં આવી હતી.

ચોમાસા દરમ્‍યાન પશુ મૃત્‍યુ, સરકારી કે ખાનગી મકાનના નુકશાનની વિગતો તાત્‍કાલીક મળી જાય તેવી વ્‍યવસ્‍થા કરવા, કન્‍ટ્રોલરૂમ કાર્યરત કરવા અને એકશન ટેકન રીપોર્ટ તૈયાર કરવા ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્‍લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, નિવાસી અધિક કલેકટર કે.એમ. જાની, સાથે જુદા જુદા તાલુકાના કાર્યપાલક ઇજનેર, પ્રાંત અધિકારીઓ, મામલતદાર, ફશરીઝ વિભાગ, ચીફ ઓફીસર્રીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ અન્ય વિભાગના અધિકારીઓ જોડાયા હતા.