દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હથિયાર બંધી

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલની પરિસ્થિતિને ધ્‍યાને લઇ કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ એક જાહેરનામા દ્વારા સમગ્ર જિલ્લામાં હથિયાર બંધી કરતો હૂકમ જારી કર્યો છે.

જે અન્વયે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. 15 જૂન સુધી શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, ધોકા, બંદુક, લાકડી અને લાઠી, કુંડલીવાળી લાકડી તથા શારીરિક ઈજાઓ પહોંચાડી શકે તેવા બીજા કોઇપણ સાધનો સાથે લઇ જવા નહી, પથ્થરો અથવા ફેંકી શકાય તેવી વસ્તુઓ ફેંકવાની કે ધકેલવાના યંત્રો અથવા સાધનો લઇ જવા નહી, વ્યકિતઓ અથવા તેમના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવા નહી, અપમાનો કરવા અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવા નહીં, ગીતો ગાવા નહીં, ટોળામાં ફરવું નહીં, કોઈપણ ક્ષયકારી અથવા સ્ફોટક દારૂગોળો વિગેરે પદાર્થો લઈ જવા નહીં.

આ વચ્ચે ફરજ પરના અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડઝ, ગ્રામ રક્ષક દળના સભ્યો કે જેમને ફરજ નિમિત્તે હથિયાર રાખવાની આવશ્યકત્તા હોય તેને તેમજ સરકારી અધિકારી-કર્મચારી હથિયાર ધરાવતા હોય તેને, જેઓને શારીરિક અશક્તિને કારણે લાઠી રાખવાની પરવાનગી આપેલ હોય તેને, પોલીસ સબ ઈન્સ્પેક્ટરથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓને, પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલા વરરાજાને, યજ્ઞોપવિત અપાતું હોય તેવા બડવાઓએ દંડ રાખેલ હોય તેને, પોલીસ અધિક્ષક કે તેમણે નિયુક્ત કરેલા અધિકારીની કાયદેસરની પરવાનગી મેળવેલી વ્યક્તિને તેમજ કિરપાણ રાખેલ શીખને આ જાહેરનામું લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.