ખંભાળિયા-જામનગર માર્ગ પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત: આઠ મુસાફરો ઘવાયા

જામ ખંભાળિયા : ખંભાળિયા- જામનગર ધોરીમાર્ગ પર દેવળીયા ગામના પાટિયા પાસે ઈક્કો કાર અને છકડા રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં છકડા રિક્ષામાં સવાર આઠ જેટલા મુસાફરોને નાની-મોટી ઇજા થવા પામી હતી. આ તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ સમગ્ર બનાવની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક દેવરીયા ગામના પાટીયા પાસે આજે સવારે સાડા દસેક વાગ્યાના અરસામાં જામનગરથી ખંભાળિયા તરફ આવી રહેલા એક રિક્ષા છકડા તથા ઈક્કો મોટરકાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં છકડા રિક્ષામાં જઈ રહેલા આઠથી દસ જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત બનેલા રીક્ષા સવાર મુસાફરોને વધુ સારવારઅર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતના આ બનાવ પછી ત્યાંથી પસાર થનારા અન્ય વાહનચાલકો તેમજ 108 ની ટિમ દ્વારા ઈજાગ્રસ્ત બનેલા ખંભાળિયા પંથકના રહેવાસી એવા અનોપસિંહ જાડેજા, મનહરસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, વિક્રમસિંહ રાઠોડ, લખુભા રાઠોડ, મહેન્દ્રસિંહ જાડેજા, લઘુભા વાઢેર, સંજયસિંહ જાડેજા અને મુકેશસિંહ જાડેજા વિગેરેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તાકીદની સારવાર આપવામાં આવી છે.

આ અકસ્માતના બનાવ સંદર્ભે ઈજાગ્રસ્તોના પરિવારોમાં ભારે દોડધામ પ્રસરી હતી. ખંભાળિયાની પોલીસે ઘટના સ્થળે દોડી જઈ, સમગ્ર બનાવ મામલે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. સદ્દભાગ્યે મોટી જાનહાની ન થતા લોકોએ રાહતની લાગણી અનુભવી હતી.