દ્વારકા જિલ્‍લામાં રવિવારે કોવિડ વેક્સિનેશન મેગા કેમ્‍પ

ફ્રન્ટલાઈન વર્કર્સ, 60 વર્ષથી વધુની વયના અને 12થી 17 વર્ષના લોકોને રસી અપાશે

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં તા. 22 મેના રોજ કોવિડ રસીકરણ મેગા કેમ્‍પ યોજાશે. જેમાં ફ્રન્ટલાઈન વર્કર્સ, 60 વર્ષથી વધુની વયના અને 12થી 17 વર્ષના લોકોને રસી અપાશે.

કોવિડ-19ની મહામારીથી જનસમુદાયને રક્ષણ મળે તે હેતુથી રાજયમાં હેલ્થ કેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુની વય જુથના કોવિડ વેકસીનેશનના પ્રિકોશન ડોઝના એલીજીબલ લાભાર્થીઓ તેમજ 12થી 17 વર્ષના એલીજીબલ પૈકી બીજા ડોઝ માટેના લાભાર્થીઓને આવરી લેવા માટે રાજયમાં તા. 22ના રોજ કોવિડ રસીકરણ મેગા કેમ્પના આયોજન કરવામાં આવેલ છે.

જે અન્‍વયે દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં પણ તા. 22ના રોજ કોવિડ-19 રસીકરણના મેગા કેમ્પના આયોજનના ભાગ રૂપે 31 આરોગ્ય સંસ્થાઓ જેવી કે જિલ્લા હોસ્‍પિટલ, પેટા જિલ્લા હોસ્‍પિટલ, પ્રા.આ.કેન્દ્રો અને સા.આ.કેન્દ્રો વગેરે તેમજ હર ઘર દસ્તક અભિયાન હેઠળ 150 ટીમોનો સમાવેશ કરી જિલ્લામાં કુલ 180 જેટલી રસીકરણ સેશન સાઈટ કાર્યરત કરી કોવિડ રસીકરણ કામગીરી હાથ ધરવામાં આવશે.

આ રસીકરણ મેગા કેમ્પમાં 12થી 17 વર્ષના એલીજીબલ પૈકી બીજા ડોઝ માટે પાત્રતા ધરાવતા 16,796 લાભાર્થીઓને અને હેલ્થ કેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ તેમજ 60 વર્ષ વય જુથના કોવિડ વેકસીનેશનના પ્રિકોશન ડોઝના પાત્રતા ધરાવતા 24,497 જેટલા લાભાર્થીઓ સહિત જિલ્લામાં કુલ 41,293 લાભાર્થીઓને કોવિડ રસીકરણ કરવાનો નિર્ધાર કરવામાં આવેલ છે. વધુમાં વધુ લાભાર્થીઓએ આ રસીકરણ મેગા કેમ્પનો લાભ લેવા જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.