કલ્યાણપુરમાં જેટકો કંપનીની કામગીરીમાં રુકાવટ કરી, ડખ્ખો સર્જનારા “આપ”ના નેતા સહિત નવ શખ્સોની ધરપકડ

જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના ધુમથર વિસ્તારમાં જેટકો કંપની દ્વારા ચાલી રહેલી વીજપોલ અંગેની કામગીરીમાં અડચણરૂપ બની અને નિયમ કરતા વધુ વળતરની માંગણી કરી, કંપનીના સ્ટાફ સાથે અશોભનીય વર્તન કરવા તથા ફરજમાં રૂકાવટ કરવા અંગે કંપનીના કર્મચારી કૌશિક ભટ્ટાચાર્યની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસ મથકમાં આમ આદમી પાર્ટીના કાર્યકર એવા નિન્દ્રેશ માંડણભાઈ ભોચીયા, તેના પિતા માંડણ રામા ભોચીયા સહિત કુલ એક ડઝન જેટલા શખ્સો સામે વિવિધ કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરજમાં રૂકાવટ તથા ચોરીની ફરિયાદ સંદર્ભેના આ સમગ્ર પ્રકરણમાં અહીંના આઈ.પી.એસ. નિધિ ઠાકુર તથા કલ્યાણપુરના પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા દ્વારા ઉડાણપુર્વકની તપાસ હાથ ધરીને આમ આદમી પાર્ટીના કલ્યાણપુર પંથકના યુવા નેતા નિન્દ્રેશ માંડણ ભોચીયા સાથે માંડણ રામા રામ ભોચીયા, મેરામણ માંડણ ભોચીયા, ગોવિંદ નગા લગારીયા, મુકેશ ભાયા ભોચીયા, ભરત ભાયા ભોચીયા, આલા ભીમા ગોજિયા, નગા સામત ભોચીયા, અને કાના કુંભા કંડોરિયા નામના કુલ નવ શખ્સોની વિવિધ કલમ હેઠળ અટકાયત કરી હતી.

ઝડપાયેલા આ શખ્સોને સ્થાનિક કોર્ટમાં રજુ કરવા અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકરના આ પ્રકારના ડખ્ખાથી “આપ”ના કાર્યકરો તથા નેતાઓ સાથે સ્થાનિક રાજકારણમાં ચકચાર જાગી છે.