દ્વારકા જિલ્લામાં 400 કે.વી. સબસ્ટેશનનું થશે નિર્માણ: ભોગાત ગામે કરોડોના ખર્ચે આયોજન

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ એક પણ વિશાળ ક્ષમતા ધરાવતું વિજ સબસ્ટેશન ન હોય, સરકાર દ્વારા કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે આ સબસ્ટેશનના નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભારત સરકાર દ્વારા સ્થાનિક રાજ્ય તંત્ર સાથે સંકલન સાધીને તમામ ગામોની વિજ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે દરેક જિલ્લા કક્ષાએ વિશાળ ક્ષમતા ધરાવતા કરોડો રૂપિયાના ખર્ચે સબસ્ટેશનનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે 400 કે.વી.નું વિશાળ વીજ સબસ્ટેશન સ્થાપવાના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કામગીરી આગામી થોડા સમયમાં પૂર્ણ થનાર હોવાનું જાણવા મળ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા અને ભાટિયા એમ બે સ્થળોએ 132 કે.વી.ના સૌથી મોટા સબસ્ટેશન છે. જ્યારે 400 કે.વી.નું એક પણ સબસ્ટેશન ન હોય, આ સબ સ્ટેશન ભોગાત ગામે શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રથમ 400 કે.વી. સબ સ્ટેશનની લાઈનોનું નામ કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક સબસ્ટેશનમાં વોલ્ટેજ ઓછા થતા હોય તેમજ દિવસે ખેડૂતોને પાવર આપવા માટેની યોજના શરૂ થતા કોમર્શિયલ, ઘર વપરાશ તથા ખેડૂતોને વીજળી પહોંચાડી શકવા માટે વિશાળ ક્ષમતાના સબ સ્ટેશનના નિર્માણની અનિવાર્યતા હોવાથી જામનગર, કાલાવડ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે આ યોજના શરૂ કરવાની કામગીરી ચાલી રહી છે. આ સબ સ્ટેશન કાર્યરત થતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓમાં વીજળી અંગેના પ્રશ્નો તદ્દન ઓછા થઇ જશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પવનચક્કીની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. ત્યારે તેનો પાવર પણ અહીં ઉપયોગમાં લઈ શકાય તે માટે મોટું આયોજન કરવામાં આવ્યું છે. 400 કે.વી.ના સબ સ્ટેશન સાથે નજીકના રાણાવાવ, રાણ જેવા 220 કે.વી. સબ સ્ટેશન પણ જોઈન્ટ થશે. જેથી ભવિષ્યમાં એક તરફથી પાવર બ્રેક થાય તો અન્ય વિકલ્પ રહે તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ સાથે 66 કે.વી.ના નાના-નાના સબ સ્ટેશનોમાં પણ ઓછા વોલ્ટેજના પ્રશ્નો તેમજ નવા કનેક્શન આપવા માટેના પ્રશ્નો હલ થઇ જશે. આમ, વીજળી બાબતે કેન્દ્ર સાથે રાજ્ય સરકારનું પણ કરોડો રૂપિયાના ખર્ચે આ આયોજન લોકો માટે આશીર્વાદરૂપ બની રહેશે.