દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં આવતીકાલે કોવિડ રસીકરણ કેમ્‍પ સંદર્ભે જિલ્લા કલેકટર દ્વારા બેઠક યોજાઈ

જામ ખંભાળિયા : કોરોનાની મહામારીથી લોકોને રક્ષણ મળે તે હેતુથી રાજયમાં હેલ્થ કેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વય જુથના કોવિડ વેકસીનેશનના પ્રિકોશન ડોઝના મળવાપાત્ર લાભાર્થીઓ તેમજ 12 થી 17 વર્ષના તરુણો પૈકી બીજા ડોઝ માટેના લાભાર્થીઓને આવરી લેવા ગુજરાતમાં આવતીકાલે રવિવારે કોવિડ વેક્સિનેશનના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે શુક્રવારે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર એમ.એ. પંડયાના અધ્યક્ષ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા કલેકટર દ્વારા જણાવાયું હતું કે આ રસીકરણ કામગીરીને વેગવંતી બનાવવા વધુમાં વધુ પ્રચાર-પ્રસાર થાય તે માટે તલાટી-કમ-મંત્રી, શિક્ષકો, આંગણવાડી કાર્યકરો, આરોગ્ય કર્મચારીઓ તેમજ આશા બહેનો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા તેમજ વધુમાં વધુ લાભાર્થીઓને આ રસીકરણ મેગા કેમ્પનો લાભ મળે તેવા પ્રયત્‍નો કરવામાં આવે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના રસીકરણના મેગા કેમ્પના આયોજનના ભાગ રૂપે 31 આરોગ્ય સંસ્થાઓ જેવી કે જિલ્લા હોસ્‍પિટલ, પેટા જિલ્લા હોસ્‍પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામુહિક આરોગ્ય કેન્દ્રો વિગેરે સાથે ‘‘હર ઘર દસ્તક’’ અભિયાન હેઠળ 150 ટીમોનો સમાવેશ કરી આમ જિલ્લામાં કુલ 188 જેટલી રસીકરણ સેશન સાઈટ કાર્યરત કરી કોવિડ રસીકરણ કામગીરી હાથ ધરવામાં આવશે. આ રસીકરણ મેગા કેમ્પમાં 12 થી 17 વર્ષના તરુણો પૈકી બીજા ડોઝ માટે પાત્રતા ધરાવતા 16,756 લાભાર્થીઓને અને હેલ્થ કેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ તેમજ 60 વર્ષથી વય જુથના કોવિડ વેકસીનેશનના પ્રીકોશન ડોઝના પાત્રતા ધરાવતા 28,532 જેટલા લાભાર્થીઓ સહિત આમ જિલ્લામાં કુલ 45,228 લાભાર્થીઓનું રસીકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ બેઠકમાં અહીંના જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીવાસ્‍તવ, બન્ને પ્રાંત અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, પ્રોગ્રામ ઓફીસર (આઈ.સી.ડી.એસ.), જુદા જુદા તાલુકાના ટી. ડી.ઓ., મામલતદાર, તાલુકા પ્રાથમિક શિક્ષાણ અધિકારી, ચીફ ઓફીસર, તાલુકા હેલ્થ ઓફીસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના તબીબી અધિકારી વિગેરે ઉપસ્‍થિત રહયા હતા.