પાંચ વર્ષ પૂર્વેના મનદુખનો ખાર રાખી, આરંભડાના આધેડ સહિત ચાર ઉપર હુમલો: ચાર સામે ફરિયાદ

જામ ખંભાળિયા : મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા આશાભા કરસનભા માણેક નામના બાવન વર્ષના હિન્દુ વાઘેર આધેડએ આજથી આશરે પાંચેક વર્ષ પૂર્વે આરંભડા ગામના રહીશ કાયાભા આલાભા કેર કે જે વોર્ડના સભ્ય તરીકે ચૂંટણીમાં ઊભા હોય, તેને સાથ આપ્યો ન હતો. જે-તે વખતે તેણે આશાભા કેરને માર માર્યો હતો. આ બાબતની તેમણે ફરિયાદ પણ કરી હતી. આ અંગેના ચાલી રહેલા મનદુઃખ વચ્ચે ફરિયાદી આશાભા કેર દ્વારા ચાલી રહેલા મકાનના બાંધકામ દરમિયાન કાયાભા કેર સાથે ધસી આવેલા તેના પુત્ર સાગર તેમજ રઘુભા રામભા કેર અને વનરાજભા લખમણભા કેર દ્વારા ઢીકા પાટુનો માર મારી, લાકડાના ધોકા વડે ફરિયાદી આશાભા, તેમના બે પુત્રો શીવુભા અને રાજુભા અને ભાઈ વાલાભા પર હુમલો કરી, બેફામ માર મારી ફેક્ચર સહિતની ઈજા કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે આશાભા કેરની ફરિયાદ પરથી ચારેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 325, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.