ઓખાનાં ડાલ્ડા બંદરેથી રૂ. ત્રણ લાખનાં બિનઅધિકૃત ડીઝલ સાથે એક ઝડપાયો

સસ્તુ ડીઝલ મળે તે માટે માચ્છીમારો ગેરકાયદેસર કૃત્ય કરતા હોય છે

દ્વારકા : દેવભૂમિ દ્વારકાના ઓખાનાં ડાલ્ડા માચ્છીમાર બંદરેથી ત્રણ લાખ રુ.નાં બિનઅધિકૃત ડીઝલનાં જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો હતો.

ઓખાનાં ડાલ્ડા બંદરેથી પોલીસે રૂ. ત્રણ લાખનાં પંદર બેરલ ગેરકાયદેસર ડીઝલનાં જથ્થા સાથે જયદીપસિંહ ઉર્ફે લાલો જાડેજા (ઉંમર 36)ની ધરપકડ કરેલ છે. ઓખાનાં ડાલ્ડા બંદરે હજારો માચ્છીમારો પોતાના દંગા બનાવીને બોટ દ્વારા મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા છે. બોટમાં ઈંધણ તરીકે ડીઝલનો વપરાશ થાય છે એટલે સસ્તુ ડીઝલ મળે તે માટે કેટલાક માચ્છીમારો અને તેની સાથે સંકળાયેલા કેટલાક માચ્છીમારી બંદરનાં જ આગેવાનો સેટીંગ કરીને આ કૃત્ય માટે તલપાપડ રહેતા હોય છે.

ત્યારે આ વિસ્તારમાં ગેરકાયદેસર ડીઝલ પકડાવુ એ નવી વાત નથી ! ફેરી બોટ, ફીશીંગ બોટ, રિક્ષા કે ટ્રેકટરમાં ભૂતકાળમાં કેટલાય કિસ્સામાં આ રીતનાં વહીવટીયા ડીઝલનાં બેરલ પકડાયા છે. આ બંદરમાં સહકારી મંડળીનાં ત્રણેક જેટલા ડીઝલ પંપ આવેલા છે. મંડળીનાં નામે ખાનગી વ્યક્તિઓ દ્વારા આ પંપોનું મુખ્યત્વે સંચાલન કરવામાં આવતું હોય છે.