દ્વારકામાં વૃદ્ધની હત્યા કરનાર આરોપી દંપતી ઝડપાયા

જીલ્લા એલ.સી.બી. તથા સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી

દ્વારકા : દ્વારકા જીલ્લા એલ.સી.બી. તથા સ્થાનિક દ્વારકા પોલીસ દ્વારા દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ અનડીટેક્ટ ખુનનો ગુન્હો ગણતરીની કલાકોમા ઉકેલી નાખવામાં આવ્યો છે.

દેવભુમી દ્વારકા જીલ્લાના પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હોય, જે અનડીટેક્ટ ગુન્હાની તપાસ પોલીસ ચલાવી રહેલ હોય, સ્થાનીક પોલીસ તથા જીલ્લા એલસીબી સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમા આરોપીને શોધવા સ્થાનીક ગુનેગારોને ચેક કરવાની તથા બનાવ સ્થળની આજુબાજુના સીસીટીવી ચેક કરવાની તથા ટેક્નીકલ સોર્સ અને હ્યુમન ઇન્ટે.ની કામગીરીમા લાગેલ હતા.

દરમ્યાન ફ્રન્ટ સીસીટીવી ચેક કરતા તા. 20 ના રોજ સાંજના સમયે મૃતક મેમાભાઇ પચાણભાઇ ચાવડા (ઉ.વ. ૭૦, રહે.મુળ.વીરાગામ, તા.અંજાર, જી.કચ્છ) એક સ્ત્રી અને પુરુષ સાથે કીર્તી સ્તમ્ભથી હાથી ગેટથી અલખ હોટેલ તરફ ચાલતા જતા હોવાનુ દેખાયેલ હતા. તદુપરાંત, મૃતકનો મોબાઇલ ગુમ હોય. જેથી, ટેક્નિકલ સોર્સ મારફતે તપાસ કરાવતા આરોપીનુ લોકેશન ભથાણ ચોકથી ઇસ્કોન ગેટ વચ્ચે આવતુ હોય.

પોલીસ સ્ટાફ શંકાસ્પદ ઇસમોને ચેક કરતા હોય, દરમ્યાન જુનુ બરફના કારખાના પાસે એક શંકાસ્પદ યુગલ મળી આવેલ હતું. જેના હાથમા થેલા હોય, જેને સ્થાનીક પોલીસ તથા એલ.સી.બી. સ્ટાફે ઝડપી લઇ આગવી રીતે તથા ઝીણવટ્ઝરી રીતે પુછપરછ કરી ઝડતી લેતા તેમની પાસેથી મૃતકનો મોબાઇલ તથા થેલો મળી આવેલ હતા. બાદમાં આરોપીને ઊંડાણપુર્વક પુછપરછ કરતા આ યુગલ પડી ભાંગેલ અને ગુન્હો કબુલ કરેલ હતો. જેથી, પોલીસને અનડીટેક્ટ ગુન્હો ઉકેલવામાં સફળતા મળેલ હતી.

આ કેસમાં પોલીસે આરોપીઓ દીપક ઈશ્વરભાઇ વક્તાભાઇ છત્રાલિયા (પરમાર) (ઉ.વ. ૩૫, રહે. સદરપુર, તા. ડીસા, જી. બનાસકાઠા) અને તેના પત્ની લીલાબેન દીપકભાઇ ઈશ્વરભાઇ છાલિયા (પરમાર)ની અટકાયત કરવામાં આવી છે.

આરોપી લીલાએ મૃતકને અનૈતીક સંબંધ બાંધવાની લાલચ આપી અલખ હોટેલથી આગળ ડાબી બાજુ બાવળની કાટમાં લઇ જઇ પાછળથી આરોપી દીપકે આવી મેમાભાઇ પચાણભાઇને માથાના ભાગે કપાળ તથા નાકના ભાગે પત્થરના આડેધડ ઘા મારી મોત નિપજાવી, લાશને સળગાવી અર્ધ બળેલ હાલતમા મુકી મૃતકના મોબાઇલ તથા રોકડા રૂપિયા અને થેલો લઇ નાસી ગયેલ હતા.

આ કામગીરી પોલીસ ઈન્સપેક્ટર પી. એ. પરમાર (દ્વારકા પોલીસ સ્ટેશન) તથા સ્ટાફ તેમજ પોલીસ ઇન્સપેક્ટર જે. એમ. ચાવડા (એલસીબી) તથા સ્ટાફ એ કરેલ છે.