દ્વારકા જિલ્લામાં ટીબી રોગને નાબૂદ કરવા દિલ્હી અને ગાંધીનગરની ટીમ દ્વારા જિલ્લાની મુલાકાત

ખંભાળિયાની નાયરા એનર્જી કંપનીમાં એક દિવસીય સેમિનાર યોજાયો

જામ ખંભાળિયા : ભારત સરકાર દ્વારા વર્ષ 2025 સુધીમાં દેશને ટીબી મુક્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ દિલ્હી અને ગાંધીનગરથી એક ટીમ દ્વારા જિલ્લામાં આવેલી કોર્પોરેટ કંપનીઓની મુલાકાત લઇ સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. જેમાં ખંભાળિયાની નાયરા એનર્જી કંપનીમાં એક દિવસીય સેમિનાર યોજાયો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાને ટીબી મુક્ત કરવા દિલ્હી અને ગાંધીનગરથી આવેલી ટીમ દ્વારા કોર્પોરેટ કંપનીઓ જેવી કે નાયરા એનર્જી, ટાટા કંપની – મીઠાપુર, બોમ્બે મિનરલ્સ કંપની, ખંભાળિયાની દાલમિયા કંપનીની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત સમયે કંપની દ્વારા જિલ્લામાં તમામ ટીબીના દર્દીઓને ન્યુટ્રીશન કીટ વર્ષ 2025 સુધી આપવામાં આવે તે માટેની રજૂઆત પણ કરી હતી. નાયરા એનર્જી ખાતે યોજાયેલ એક દિવસીય “ટીબી મુક્ત સ્થળ” સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં કંપનીના તમામ યુનિટના હેડ, મેનેજર અને સુપરવાઈઝરને તાલીમ આપવામાં આવી હતી.

તાલીમ દરમિયાન ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પોતાના યુનિટમાં કામ કરતા કામદારોને ટીબી રોગ વિશે માહિતગાર કરવામાં આવે અને ટીબી રોગના લક્ષણ જણાય તો તુરંત જ ટીબી અંગેનું તબીબી પરીક્ષણ કરવામાં આવે.

વધુમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ક્ષય અધિકારી ડો. રાજ સુતરીયાએ જણાવ્યું હતું કે, નાયરા એનર્જી કંપની દ્વારા જિલ્લામાં સારવાર હેઠળ રહેલા ટીબીના દર્દીઓને એપ્રિલ માસમાં ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટીબીના આ દર્દીઓની સારવાર ચાલુ રહેશે ત્યાં સુધી ન્યુટ્રીશન કીટ મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે.