કલ્યાણપુરના કેનેડી ગામે તૂટી ગયેલા વીજપોલ બાબતે બે પરિવારો વચ્ચે મારામારી

મહિલાઓ સહિત નવ સામે ફરિયાદ નોંધાઈ

જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે તૂટી ગયેલા વીજપોલ બાબતે બે પરિવારો વચ્ચે બબાલ થઈ હતી. જેમાં લાકડી, પાઈપ તેમજ પથ્થર વડે ઝઘડો થતા આ પ્રકરણમાં સામસામા પક્ષે મહિલાઓ સહિત કુલ નવ સામે ફરિયાદ નોંધાઇ છે.

કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા રૂડાભાઈ પ્રેમજીભાઈ ખાણધર નામના 42 વર્ષના સતવારા યુવાનના સેઢા પાસે પીજીવીસીએલનો એક તૂટેલો વીજપોલ પડ્યો હોય, જે આરોપી ગોવિંદભાઈ સામતભાઈનો પુત્ર પ્રવીણ લઈ જતા ફરિયાદી રૂડાભાઈ પ્રેમજીભાઈએ આ થાંભલો પાછો આપી જવા જણાવ્યું હતું. આ બાબતે બોલાચાલી થયા બાદ વિજય ગોવિંદ નકુમ, ગોવિંદ સામત નકુમ, પ્રવીણ ગોવિંદ નકુમ, હિતેશ ગોવિંદ નકુમ તેમજ વિજયના માતાએ એક સંપ કરી, લાકડી તેમજ પથ્થરના ઘા વડે રૂડાભાઈ તથા તેમના પરિવારજનો પર હુમલો કર્યો હતો. આ બનાવ અંગે રૂડાભાઈ પ્રેમજીભાઈની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ગોવિંદભાઈ સામતભાઈ તેમજ તેમના પરિવારજનો સામે આઈ.પી.સી. કલમ 307, 323, 324, 143, 147, 148, 149, 504, 337 જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

આ પ્રકરણમાં સામા પક્ષે પ્રવીણભાઈ ગોવિંદભાઈ નકુમ દ્વારા રૂડા પ્રેમજી ખાણધર, જીવણ પ્રેમજી ખાણધર, રૂડાભાઈના પત્ની તથા જીવણભાઈના પત્ની સામે લોખંડના પાઇપ તેમજ પથ્થરના છુટ્ટા ઘા મારી ફરિયાદી પ્રવીણભાઈને ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે બે મહિલાઓ સહિત ચાર સામે આઈ.પી.સી. કલમ 324, 323, 337, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.