દ્વારકામાં કેચ ધ રેઇન કાર્યક્રમ અંતર્ગત 88 અમૃત સરોવર બનાવાશે

ખંભાળિયામાં જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

જામ ખંભાળિયા : કેન્દ્ર સરકાર દ્વારા દરેક જિલ્લામાં જલ શક્તિ અભિયાન – “કેચ ધ રેઇન” અંતર્ગત 75 અમૃત સરોવર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 88 અમૃત સરોવર બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ખંભાળિયામાં જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી જિલ્લા અમલીકરણની બેઠકમાં સિંચાઈ વિભાગના મદદનીશ ઈજનેર જયદીપ પટેલ દ્વારા આ બાબતની માહિતી આપવામાં આવી હતી.

વધુમાં સિંચાઈ વિભાગના મદદનીશ ઈજનેરે જણાવ્યું કે, જલ શક્તિ અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 88 અમૃત સરોવર બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ખંભાળિયામાં 24, કલ્યાણપુરમાં 21, દ્વારકામાં 23 અને ભાણવડમાં 20 તળાવનો સમાવેશ કરવામાં આવનાર છે. જેમાં નવું તળાવ બનાવવું, તળાવનું રીનોવેશન, બ્યુટીફીકેશન કરવા સહિતના આયોજનો હાથ ધરાશે. આ ઉપરાંત વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. દર વર્ષે 15 ઓગસ્ટના રોજ ધ્વજવંદન પણ અમૃત સરોવર ખાતે કરવામાં આવશે.

આ કામગીરીની સમગ્ર દેખરેખ રાખવા અને સમગ્ર આયોજન અંગે ચાર નાયબ ઇજનેરની નિમણુંક પણ કરવામાં આવી છે. આગામી તા. 15 ઓગસ્ટ સુધીમાં 20 ટકા કામગીરી પૂર્ણ કરવાની રહેશે. તેમજ 15 ઓગસ્ટ, 2023 સુધીમાં અમૃત સરોવર બનાવવાની 100 ટકા કામગીરી પૂર્ણ કરવાની રહેશે તેમ વધુમાં જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક ભાવેશ ખેર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીવાસ્તવ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.