કલ્યાણપુરના ડૉક્ટરે માત્ર 23 કલાકમાં એવરેસ્ટ શિખર સર કરી વિક્રમ સર્જ્યો

ડોક્ટરને સાંસદ સહિતના આગેવાનો દ્વારા સન્માનિત કરાયા

જામ ખંભાળિયા : ખંભાળિયાની સાંકેત હોસ્પિટલના ડાયરેક્ટર તથા કલ્યાણપુરના લાંબા ગામના મૂળ વતની એવા ડો. સોમાત ચેતરીયાએ તાજેતરમાં વિશ્વની પ્રથમ હરોળની ઊંચાઈ ધરાવતા એવરેસ્ટ શિખરને માત્ર ત્રેવીસ કલાકના સમયગાળામાં સર કરીને વિશિષ્ટ વિક્રમ સર્જ્યો છે.

એવરેસ્ટની ઊંચાઈ સુધી પહોંચનારા સૌરાષ્ટ્રના પ્રથમ નાગરિક અને એવરેસ્ટ બેઝ પર ગયા વગર સીધા પર્વત ચડનારા પ્રથમ પર્વતારોહી ડો. ચેતરીયાને ખંભાળિયામાં જિલ્લા સાંસદ પૂનમબેન માડમ તથા પૂર્વ રાજ્યમંત્રી મુળુભાઈ બેરા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ બંને મહાનુભાવોએ ડો. ચેતરીયાના આ સાહસ અને અનુભવને જાણ્યા હતા, અને આ સાહસમાંથી યુવાનો પ્રેરણા મેળવે તથા આવા યુવાનો માટે ડો. ચેતરીયા પ્રેરણાનો સ્ત્રોત અને માર્ગદર્શક બની રહે તેવી આશા વ્યક્ત કરી અને આ બાબતને દેવભૂમિ દ્વારકાના ગૌરવ ગણાવ્યું હતું.