ભાણવડના રેટાકાલાવડ ગામના ખેડૂતોની જમીન માપણીમાં વ્યાપક ગોટાળા

જમીન માપણીનો ભોગ બનેલા 112 ખેડૂતોએ જિલ્લા કલેકટરને સામુહિક અરજી કરી

જામ ખંભાળિયા : સમગ્ર ગુજરાત રાજ્યમાં થોડા સમય પૂર્વે ખેડૂતોની જમીનની કરવામાં આવેલી માપણીના પાઈલોટ પ્રોજેક્ટમાં વ્યાપક ગોટાળાઓ સામે આવ્યા છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ અનેક ભૂલ સામે આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રેટાકાલાવડ ગામ એક જ ગામમાં આશરે 200 જેટલા ખેડૂતોની જમીનની માપણીમાં ભૂલ હોવાનું જાણવા મળ્યું છે. જે પૈકી 112 ખેડૂતોએ સામૂહિક રીતે જમીન માપણીની વ્યક્તિગત અરજીઓ જિલ્લા કલેકટરને પાઠવી છે. જેથી ભારે દેકારો મચી જવા પામ્યો છે.

ગ્રામજનોને તેઓની જમીનની માપણી ક્યારે કરવામાં આવી તેની જાણ જ કરવામાં આવી નથી. આ ઉપરાંત જમીન માપણી વખતે તેઓને બોલાવવામાં આવ્યા નથી કે ગ્રામસભા ભરાઈ નથી. આ અંગેનું રજીસ્ટર પણ ન બનાવાયું હોવાની બાબત વચ્ચે આ ગામમાં જે જમીન માપણી થઇ તે ખોટી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. આ અંગેના જરૂરી ફોટા પણ નથી. તો આવી જમીન માપણી કોણે અને કેવી રીતે કરી? તેવા વેધક સવાલો સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ગામમાં એક સગર અને એક મેર પરિવારની જમીનનો વિવાદ થતા અત્યાર સુધીમાં પ્રાંત અધિકારી, ડીવાયએસપી, એસ.એલ.આર. વગેરે સ્થળે પાંચ વખત રજૂઆત તથા સુનાવણી અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમ છતાં પણ હજુ સુધી નિકાલ થયો નથી. એક જમીનમાં જો આટલો વિવાદ હોય તો, 200 જેટલી ભૂલોનું પરિણામ શું આવે? એવો ગંભીર પ્રશ્ન પણ ગ્રામજનોમાં ઉઠવા પામ્યો છે.