ખંભાળિયાના રેડક્રોસ સંસ્થાને થેલેસેમીયાની કામગીરી બદલ રાજ્યપાલના હસ્તે એવોર્ડ અર્પણ

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમ હરોળની મનાતી સેવા સંસ્થા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીને રાજ્યપાલના વરદ હસ્તે થેલેસેમીયાની કામગીરી બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ખંભાળિયામાં વર્ષ 2013માં સ્થાપિત ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા નિયમિત રીતે અનેકવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમાં એક થેલીસેમિયાની મહત્વની એવી કામગીરી સંદર્ભે ખંભાળિયાની રેડક્રોસ ટીમ દ્વારા સમગ્ર રાજ્યમાં બેસ્ટ કામગીરી કરવામાં આવતા આ સંદર્ભે તાજેતરમાં અમદાવાદની રેડક્રોસ સ્ટેટ બ્રાંચ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ખંભાળિયાના ડીસ્ટ્રીક્ટ ચેરમેન કિરીટભાઈ મજીઠીયાને ગોલ્ડન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળિયામાં રેડક્રોસ સંસ્થાની સ્થાપના બાદ ખંભાળિયાના વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી સહિતના અનેક નામી-અનામી દાતાઓના સહયોગથી થેલેસેમિયા ટેસ્ટ, નેત્ર કેમ્પ, વિગેરેની સેવા પ્રવૃતિ ભારે આવકારદાયક અને આશીર્વાદરૂપ બની રહી છે.

ખંભાળિયાની રેડક્રોસ સંસ્થાને રાજ્યપાલના હસ્તે આ ચોથો એવોર્ડ મળતા આ સિદ્ધિ બદલ સંસ્થાના ડિસ્ટ્રિક્ટ ચેરમેન કિરીટભાઈ મજીઠીયા દ્વારા દાતાઓ તેમજ સંસ્થાની ટીમના કાર્યકરોનો જાહેર આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.